સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ B.Sc સેમેસ્ટર 3 અને 4નું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓનો હોબાળો
- પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટકી,
- વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી વિરોધ કર્યો,
- સેમેસ્ટર 4ની પરીક્ષા એપ્રિલ 2025માં લેવાઈ છતાં રિઝલ્ટ હજુ જાહેર કરાયુ નથી,
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા એપ્રિલ મહિનામાં લેવાયેલી B.Scની સેમેસ્ટર 3 અને 4નું પરિણામ 7 મહિના બાદ પણ જાહેર ન થતાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કુલપતિ ડો. ઉત્પલ જોશી ગેરહાજર હતા એટલે વિદ્યાર્થીઓએ ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમાર સમક્ષ રજુઆત કરી હતી અને. રોષ ઠાલવતા કહ્યું હતું કે, સેમ. 3નું 7 મહિના અને સેમ 4નું 4 મહિના બાદ પણ પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ છીનવાઇ જશે. ઈન્ચાર્જ કૂલસચિવની કચેરીમાં વિદ્યાર્થીઓએ વિરોધ સાથે રામધૂન બોલાવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગના અંધેર તંત્રને લીધે બીએસસી સેમેસ્ટર 3 અને 4ના પરિણામ 7 મહિના બાદ પણ જાહેર કરવામાં આવ્યા નથી. પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, કોટક સાયન્સ કોલેજમાં B.Sc.માં પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું. અમે અત્યારે પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી અમારો સેમેસ્ટર 3 અને 4નું પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. સેમેસ્ટર 3ની પરીક્ષા ડિસેમ્બર 2024માં આપી હતી. જેના 8 મહિના બાદ પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જ્યારે સેમેસ્ટર 4ની પરીક્ષા એપ્રિલ 2025માં લેવામાં આવી હતી. જેનું પણ રિઝલ્ટ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવને રજૂઆત કરાતા એવી હૈયાધારણ આપવામાં આવી હતી કે, અઠવાડિયામાં પરિણામ આવી જશે. વિદ્યાર્થીઓએ બે મહિના પહેલાં રજુઆત કરી ત્યારે પણ આવો જ જવાબ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને દર વર્ષે જે સ્કોલરશીપ મળે તેમાં છેલ્લા સેમેસ્ટરનું પરિણામ માંગવામાં આવે છે, પરંતુ હજુ સુધી સેમેસ્ટર 3 અને 4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી અને સ્કોલરશીપનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. જો હવે અગાઉના સેમેસ્ટરનું પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહેશે.