ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ શરૂ ન થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
- સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં 5 મહિથી પ્રવેશ કાર્યવાહી ખોરંભે,
- ગ્રાન્ટેડ લો કોલેજોનો મામલો હાઈકાર્ટમાં હોવાથી પ્રવેશ કાર્યવાહી અટકી પડી છે,
- ખાનગી લો કોલેજોમાં વિદ્યાર્થીઓ ઊંચી ફી ભરવા મજબુર
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી ઘોંચમાં પડી છે. લો કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના પાંચ મહિના બાદ પણ પ્રવેશ શરૂ થયા નથી, જેને કારણે વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં ઊંચી ફી ભરીને પ્રવેશ માટે મજબૂર બન્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 4 ગ્રાન્ટેડ અને રાજકોટની એક સરકારી સહિત 5 લો કોલેજોમાં પ્રવેશ હાલ બંધ છે. તેમજ રાજકોટ અને અમદાવાદ એમ 2 સરકારી અને 26 ગ્રાન્ટેડ લો કોલેજો છે. જેમાંથી રાજ્યની 22 ગ્રાન્ટેડ કોલેજો ફીના મામલે હાઇકોર્ટ જતાં મામલો ન્યાયાધિન હોય વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાતો નથી.
ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી ઘોંચમાં પડી છે. આ મામલો એવો છે, કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનુ કહેવું છે કે, વર્ષ 2011 બાદ એક પણ કોલેજોએ BCIનું ઇન્સ્પેક્શન કરાવ્યું નથી. હવે આ કોલેજ સંચાલકો અને પ્રિન્સિપાલ ઇન્સ્પેક્શનની ફી ભરવા તૈયાર છે પરંતુ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન ફી ઉપરાંત ડીફોલ્ટ ફી તરીકે વર્ષ દીઠ રૂ. 2 લાખ માંગવામાં આવ્યા છે એટલે કે એક કોલેજે 13 વર્ષના રૂ. 26 લાખ ભરવાની નોબત આવી છે. વિદ્યાર્થીઓને નજીવી ફીમાં ભણાવતા સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજના સંચાલકો અને પ્રિન્સિપાલ પાસે આટલા બધા પૈસા ન હોય, જેથી આ કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જોકે, તેને લીધે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જે નજીવી ફીમાં LLB કરી શકતા હતા તેઓને મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજમાં નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી દીઠ વર્ષના રૂ. 65 અને કાયમી શિક્ષકોનો પગાર ચૂકવવામાં આવે છે. જૂનાગઢ, પોરબંદર અને આણંદની ગ્રાન્ટેડ લો કોલેજ ઉપરાંત અમદાવાદની સરકારી કોલેજમાં જ વિદ્યાર્થીઓને લોના પ્રથમ વર્ષમા પ્રવેશ મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાઇકોર્ટમાં સબ જ્યુડિશિયલ મેટર હોવાથી યુનિવર્સિટીમાંથી કોઈ અધિકારી બોલતા તૈયાર નથી પરંતુ, લો વિભાગનાં એક અઘિકારીના કહેવા મુજબ સરકારી લો કોલેજ તો સરકાર સામે પડી ન શકે. જેથી, રાજ્યની ગ્રાન્ટેડની 22 જેટલી કોલેજો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે હાઇકોર્ટમાં લડત ચલાવી રહી છે. ગત એપ્રિલ-2024માં હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ હાલ તારીખો પડી રહી છે. હવે નવી તારીખ 4 ફેબ્રુઆરી, 2025 છે. જેથી ચાલુ વર્ષના વિદ્યાર્થીઓના તો એડમિશન થવાની કોઈ જ શક્યતા નથી પરંતુ, આવતા વર્ષથી એટલે કે જૂન 2025 થી એડમિશન શરૂ થાય તે જરૂરી છે. અન્યથા કાયદાના વિદ્યાર્થીઓ માટેની રાહત દરે અભ્યાસ કરાવતી ગ્રાન્ટેડ અને સરકારી લો કોલેજોને તાળા લાગી જશે. ( File photo)