વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર પહેરી શકે છે, શાળાઓની મનમાની નહીં ચાલેઃ શિક્ષણમંત્રી
- સરકારે અગાઉ જાહેરાત કરી હતી છતાંયે કેટલીક શાળાઓ મનમાની કરી રહી છે,
- ફરિયાદો મળતા શિક્ષણમંત્રીએ ફરીવાર આપી સુચના,
- મનમાની કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે
અમદાવાદ: ગુજરાતમાં તમામ શાળાઓમાં શિયાળાની ઠંડીમાં બાળકો ગમે તે રંગનું સ્વેટર પહેરીને આવે તો યુનિફોર્મ મુજબ સ્વેટરના કલરનો આગ્રહ ન રાખીને બાળકોએ જે રંગનું સ્વેટર પહેર્યું હોય તો ચલાવી લેવા અગાઉ રાજ્ય સરકારે નિર્ણય લીધે હતો, આ અંગેનો પરિપત્ર પણ તમામ શાળીઓને મોકલી દેવામાં આવ્યો હતો. સરકારના આદેશ છતાંયે કેટલીક શાળાઓ મનમાની કરતી હોવાની શિક્ષણ મંત્રીને ફરિયાદો મળી છે. ત્યારે શિક્ષણ મંત્રીએ ફરીવાર કડક સુચના આપીને બાળકો ગમે તે કલરનું સ્વેટર પહેરીને આવે તો પણ ચલાવી લેવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શહેરની અમુક સ્કૂલોમાં ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવા માટે શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ પર દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આવી ઘટનાઓને લઇ વિદ્યાર્થીઓના સ્વેટર બાબતે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપી હતી અને. જણાવ્યું હતું કે સ્વેટર બાબતે શાળાઓ વિદ્યાર્થીઓ પર દબાણ કરી શકે નહીં. ચોક્કસ પ્રકારના ગરમ કપડાં બાબતે દબાણ કરતી શાળાઓ જડતા ન કરે. ટ્રસ્ટીઓ વાલીઓ સાથે સંવાદ કરવા શિક્ષણ મંત્રીએ સૂચના આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણી સ્કૂલોના સંચાલકો સ્વેટર માટે ચોક્કસ દુકાનો સાથે સાંઠ ગાંઠ કરે છે. વાલીઓને મોઘા ભાવે આ જ દુકાનોમાંથી સ્વેટર લેવા માટે ફરજ પાડવામાં આવે છે અને બદલામાં સ્કૂલોને કમિશન પેટે તગડી કમાણી થાય છે.