વડોદરામાં વિશ્વામિત્રી નદીને કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે
- નદીને કાંઠે બાંધકામનો વેસ્ટ કચરો નાંખવામાં આવે છે,
- વિશ્વામિત્રી પ્રોજેકટ માટે માનવ અધિકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ,
- બેઠકમાં ગ્રીન ટ્રીબ્યુનલના વિવિધ સ્પર્શતા મુદ્દાઓની પણ ચર્ચા કરાઈ
વડોદરાઃ શહેરના મધ્યમાંથી પાસર થતી વિશ્વામિત્રી નદીને સાફસફાઈ કરીને ઊંડી કરવામાં આવી છે. નદીના કાંઠે બાંધકામનો વેસ્ટ કચરો ઠલવાતો હોવાથી મ્યુનિએ લાલ આંખ કરી છે. શહેરમાં કેટલાક લોકો નદીને ડસ્ટબીન બનાવી રહ્યા છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં કે કાંઠા વિસ્તારમાં બાંધકામનો વેસ્ટ ઠાલવતા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે એવી ચિમકી આપવામાં આવી છે. મ્યુનિની કચેરીમાં તાજેતરમાં વિશ્વામિત્રી પ્રોજેકટ માટે માનવ અધિકાર આયોગ દ્વારા રચિત સમિતિના સભ્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠકમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેકટ અંતર્ગત ડોક્યુમેન્ટેશન અને ફાઈનલ રીપોર્ટ માટે વરસાદી કાંસોના ડ્રેજિંગની માહિતી, વિશ્વામિત્રી નદી કાંઠા પ૨ પ્લાન્ટેશન, નદીમાં વસવાટ ક૨તા જળચર પ્રાણીઓ, મગરો તથા કાચબાઓનું સંરક્ષણ, નદી કાંઠા, વરસાદી કાંસો, કોતરોમાંથી બાંધકામના કાટમાળનો નિકાલ કરી આવા કાટમાળ ઠાલવતા લોકો સામે કડક પગલાં ભ૨વા તાકીદ કરવામાં આવી હતી.
શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ રાખવી તે દરેક લોકોની ફરજ છે. એટલે નદીના કાંઠે બાંધકામનો કચરો ઠાલવનારા સામે કડક પગલાં લેવામાં આવશે. એટલું જ નહીં આવા લોકો પાસેથી ભારે દંડ વસુલ ક૨વા સૂચના આપવામાં આવી હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ સંદર્ભે હવે બીજા અને ત્રીજા તબક્કાનો વચગાળાનો રિપોર્ટ આવવાનો હોવાથી કોર કમિટીની મીટીંગમાં નદીમાં બાંધકામનો કાટમાળ ન નાખવામાં આવે તેમજ સંરક્ષણ દિવાલ બનાવવા અને ગ્રીન ટ્રીબ્યુનલના વિવિધ સ્પર્શતા મુદ્દાઓની પણ ચર્ચા થઈ હતી. નદીનો હજી ડ્રોન સર્વે કરવામાં આવશે અને કામગીરી સંદર્ભે સમિતિ ફિલ્ડ વિઝીટ કરવાની છે. નેશનલ હાઈવે ઓથોરિટી, બુલેટ ટ્રેન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે મુદ્દાઓ મુકાયા છે, તે અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી.