દિલ્હીમાં રખડતા કુતરાઓને ખસીકરણ અને રસીકરણ બાદ પરત જે તે વિસ્તારમાં છોડી દેવાશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના પોતાના આદેશમાં સુધારો કરીને જણાવ્યું હતું કે, રખડતા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણ પછી તે જ વિસ્તારમાં પાછા છોડી દેવામાં આવશે, સિવાય કે જે કૂતરા હડકવાથી સંક્રમિત હોય અથવા જેમનું વર્તન આક્રમક લાગે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, જાહેરમાં કૂતરાઓને ખોરાક આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રખડતા કૂતરાઓને ખોરાક અને પાણી પૂરું પાડવા અથવા તેમને ખવડાવવા માટે અલગ જગ્યાઓ બનાવવામાં આવશે. કોર્ટે કહ્યું કે ગમે ત્યાં ખાવા-પીવા માટે કંઈપણ આપવાને કારણે ઘણી ઘટનાઓ બની છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ વોર્ડમાં ખોરાક માટે સમર્પિત જગ્યાઓ બનાવવી જોઈએ. કોર્ટે આદેશ આપ્યો કે, જો કોઈ જાહેર સેવકને તેની ફરજ બજાવવામાં અટકાવવામાં આવે છે, તો તે તેના માટે જવાબદાર રહેશે. કોર્ટે એમ પણ કહ્યું કે પ્રાણી પ્રેમીઓ કૂતરાઓને દત્તક લેવા માટે MCD ને અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓની સમસ્યા પર તેની કાર્યવાહીનો વ્યાપ વધારતા, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન વિભાગના સચિવોને નોટિસ ફટકારી છે. કોર્ટે આ સમસ્યાનો સામનો કરવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવા અંગે તેમનો પ્રતિભાવ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે તેની રજિસ્ટ્રીને એવી બધી હાઈકોર્ટો પાસેથી માહિતી મેળવવાનો પણ નિર્દેશ આપ્યો છે જ્યાં રખડતા કૂતરાના મુદ્દા પર અરજીઓ પેન્ડિંગ છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આવા બધા કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.