સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો, રાહદારીઓને પડતી મુશ્કેલી
- મ્યુનિ.કોર્પોરેશનની ઝૂંબેશ છતાંયે રખડતા ઢોરનો ત્રાસ યથાવત,
- શહેરના ઉપાસના સર્કલ, બસ સ્ટેન્ડ રોડ, ટાવર સુધી પશુઓનો જમવડો,
- વઢવાણ અને જારાવરનગરમાં પણ રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહે છે
સુરેન્દ્રનગરઃ શહેરના જાહેર રોડ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. અનેક ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. તેમ છતાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો ઊઠતા કડક કાર્યવાહીની માંગ ઊઠી છે.
સુરેન્દ્રનગર શહેરભરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ ગણાતા ઉપાસના સર્કલ, બસ સ્ટેન્ડ રોડ, કોલજ રોડ સહિત ટાવર સુધીના મેઈન રોડ ઉપર જ અનેક જગ્યાએ પશુઓનો જમવડો જોવા મળે છે.રખડતા ઢોર ઝઘડતા લોકો અડફેટે આવી જવાથી ઇજાગ્રસ્ત બની જાય છે. રસ્તા પર અડિંગો જમાવીને બેસતા પશુઓ ક્યારેક ઝઘડે ત્યારે રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થાય છે. આથી રસ્તા પર ફરતા અને બેસતા પશુઓના કારણે કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોમાંગ ઊઠી છે. સુરેન્દ્રનગર શહેર મ્યુનિ.કોર્પોરેશન બન્યા બાદ તંત્રે ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. પરંતુ ફરીવાર શહેરના રસ્તા પર પશુઓ જ જોવા મળી રહ્યાની ફરિયાદ ઊઠી રહી છે.
શહેરના ગણપતિ ફાટસર વિસ્તારોમાં આવેલી સત્યામપાર્ક, મા શારદા, ભીમનગર સહિતની સોસાયટીઓમાં પણ રાત્રિના સમયે પશુઓના અડિંગાઓથી રહીશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જોરાવરનગર ખારાકૂવાથી લઇને ગણપતિ ફાટસર તેમજ આજુબાજુમાં આવેલી સોસાયટીઓમાં દિવસે અને રાત્રે અંદાજે 25થી 30 જેટલા પશુઓ અડ્ડો જમાવીને બેસી રહે છે.
સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં ભેળવાયેલા માળોદ ગામમાં પણ રખડતા ઢોરનો ઘણા સમયથી ત્રાસ હતો. તેમાં પણ થોડા દિવસો પહેલા પશુએ ગોથે ચડાવતા 2 વ્યકિતને ઇજા પણ થઇ હતી. આ ઉપરાંત ગામમાં આખલાની પણ મોટી સંખ્યા હતી. જેને કારણે ગામમાં તો મુશ્કેલી થતી હતી. સીમમાં પણ આ આખલા નુકસાન પહોચાડતા હતા. આથી લોકો થાકી ગયા હતા. ત્યારે મનપાની ટીમ દ્વારા માળોદમાંથી 21 ગાય, 9 ખૂંટિયા એમ કુલ 30 પશુને પકડીને મનપાના ઢોરવાડામાં પૂરવામાં આવ્યા હતા.