વડોદરામાં દારૂના કટિંગ પર રેડ પાડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, PSIનો બે રાઉન્ડ ગોળીબાર
- SMCએ 22 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ શખસોને દબોચી લીધા
- પોલીસે ફોર્ચ્યુનર કાર અને ટ્રકને જપ્ત કરી
- પથ્થરમારા બાદ 5 બુટલેગરો નાસી ગયા
વડોદરાઃ નાતાલના તહેવારોમાં દારૂના ચાલતા કટિંગ સામે સ્ટેટ મેનિટરિંગ સેલ (SMC) બાજ નજર રાખી રહી છે ત્યારે વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી સ્ટેટ મેનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. પથ્થરમારામાં SMCના કેટલાક સભ્યોને ઇજા થઈ હતી. આ ઘટનામાં સ્ટેટ મેનિટરિંગ સેલના PSIએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે 22 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. હરણી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટેટ મેનિટરિંગ સેલના સુત્રોના જણાવ્યા મુજબ ગઈ મોડીરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના દરજીપુરા ગામમાં દારૂના કટિંગ પર રેડ કરી હતી. આ દરમિયાન કેટલાંક શખસોએ ટીમ પર પથ્થર મારો કર્યો હતો. આ હુમલામાં સ્ટેટ મેનિટરિંગ સેલના પીએસઆઇ આર. જી. ખાટે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં હાલ ત્રણ લોકોને ઝડપી પાડી રૂપિયા 22 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરજીપુરા પાસે ટ્રાન્સપોર્ટ કંપની ઓફિસ પાસે આ ઘટના બની હતી.
સ્ટેટ મેનિટરિંગ સેલના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગત મોડીરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરજીપુરા ગામમાં દારૂના કટિંગ પર રેડ કરી હતી. આ દરમિયાન બુટલેગરોએ SMC ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં એસએમસીના પીઆઇ આર. જી. ખાટે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાંની સાથે 6થી 7 બુટલેગર ફરાર થઈ ગયાં હતાં.આ બનાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બટલેગરની ધરપકડ કરી છે. સાથે જ એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર અને અંદાજીત 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઘટનામાં કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ હરણી પોલીસે હાથ ધરી છે.