બિહારના ભાગલપુરથી હાવડા જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પથ્થરમારો
નવી દિલ્હીઃ બિહારના ભાગલપુરથી હાવડા જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ઉપર ભાગલપુર અને ટેકની સ્ટેશનો વચ્ચે કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ટ્રેનના ડબ્બાના કાચને આંશિક નુકસાન થયું હતું. રેલવે કર્મચારીએ આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. જોકે, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને રેલવે કર્મચારીઓને જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાગલપુર અને ટેકની સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થમારની ઘટનાને લઈને માલદા રેલવે ડિવિઝનના ડીઆરએમએ લોકોને આવી ઘટનાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, 'વંદે ભારત એક્સપ્રેસ રાષ્ટ્રની સંપત્તિ છે અને ભારત સરકારે જાહેર હિતમાં સામાન્ય લોકોની સુવિધા માટે તેની શરૂઆત કરી છે.' આ ઉપરાંત રામપુરહાટ અને દુમકા વચ્ચે પિનારગડિયા નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પણ બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ટ્રેનના કાચને નુકસાન થયું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, વંદે ભારત પૂર્વીય રેલવે માટે એક મહત્ત્વપૂર્ણ ટ્રેન છે, જે ભાગલપુરથી હાવડા સુધી ચાલે છે. 14 એપ્રિલના રોજ માહિતી મળી હતી કે, કેટલાક અસામાજિક તત્વોએ હાટ પુરાણી હોલ્ટ પાસે પથ્થરમારો કર્યો છે.
તેમણે કહ્યું કે, માહિતી અનુસાર કોચ C-2ના કાચને નુકસાન થયું છે. અમે આ અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. ટ્રેનની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આશા છે કે, આપણે ટૂંક સમયમાં આવા તત્વોને પકડી શકીશું. તેમણે વિનંતી કરી કે રેલવે રાષ્ટ્રીય સંપત્તિ છે અને આપણે બધા તેનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જો કોઈને લાગે કે કોઈ અસામાજિક તત્ત્વ આવું કરી રહ્યું છે તો કૃપા કરીને રેલવે વહીવટીતંત્રને તેની તપાસમાં મદદ કરો.