શેરબજારમાં તેજી, સેન્સેક્સ 83,750 પાર
મુંબઈઃ સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. સવારે 11:55 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 322 આંકના ઉછાળા સાથે 83,750 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 95 આંક વધીને 25,550 પર કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરબજારમાં તેજીને પગલે રોકાણકારોમાં ખુશી ફેલાઈ છે.
ભારતમાં શેરબજારોમાં જોડાનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાત હવે એક કરોડ નોંધાયેલા રોકાણકારોનો આંકડો પાર કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે. આ માહિતી નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા પરથી પ્રાપ્ત થઈ છે. નિફ્ટીએ જણાવ્યું હતું કે આ એક મોટી સિદ્ધિ છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી ગુજરાતે આ આંકડો પાર કર્યો છે. દેશના કુલ રોકાણકાર આધારમાં આ ત્રણ રાજ્યો 36 ટકા ફાળો આપે છે. આ ભારતના વધતા જતા ઇક્વિટી ભાગીદારીને આકાર આપવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.
સેક્ટર મુજબ જોઈએ તો, આજે ઓટો, મેટલ, અને એનર્જી સેક્ટર તેજીનું નેતૃત્વ કરી રહ્યા છે. બીજી તરફ, PSU બેંક સેક્ટરમાં પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળી રહ્યું છે. કોમોડિટી બજારની વાત કરીએ તો, આજે સોના-ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ ₹97,500 પ્રતિ તોલા બોલાઈ રહ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ ₹1,06,500 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે.