શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 83,000ની નજીક
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરતાં તેની સકારાત્મક અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી. બજારની શરૂઆત જ જોરદાર તેજી સાથે થઈ, જેમાં બીએસઈનો સેન્સેક્સ 340 પોઈન્ટના ઉછાળા સાથે 83,000ની સપાટી નજીક પહોંચ્યો, જ્યારે નિફ્ટી પણ 25,500ની નજીક કારોબાર કરી રહી છે. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ આઈટી શેરોમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે, જે બજારને ટેકો પૂરો પાડી રહ્યા છે. બીજી તરફ, મેટલ અને પીએસયુ બેંકના શેરોમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે.
શેરબજારમાં તેજી વચ્ચે કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹493 ઘટીને ₹1,09,340 પર પહોંચ્યો છે. જ્યારે, 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹600ના ઘટાડા સાથે ₹1,26,380 પર ટ્રેડ થઈ રહ્યો છે. આર્થિક પરિબળોને કારણે ડોલર સામે ભારતીય રુપિયો આજે નબળો પડ્યો છે. રુપિયો 24 પૈસા ઘટીને 88.12ના સ્તરે પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની વધતી માંગ અને અન્ય પરિબળો રુપિયાની નબળાઈ પાછળ મુખ્ય કારણભૂત છે. બજારના નિષ્ણાતો માને છે કે ફેડરલ રિઝર્વના આ નિર્ણયથી વૈશ્વિક અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, જેની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ આ તેજીનો માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.