સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર રોશનીથી ઝળહળી ઊઠ્યુ, મોદી આજે સાંજે કેવડિયા પહોંચશે
- સરદાર પટેલની જન્મ જ્યંતી નિમિત્તે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે,
- કેવડિયામાં વડાપ્રધાન મોદી 280 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરશે,
- નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન
અમદાવાદઃ સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લીધે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવ્યાં છે. વડાપ્રધાનના આગમનની સાથે દિવાળીનું પર્વ હોવાથી પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં કેવડિયાની મુલાકાતે આવતા હોય છે જેને લઈને આ રંગબેરંગી લાઈટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું છે.
વડાપ્રધાન મોદી આજે સાંજે ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સાંજે સાડાપાંચ વાગે PM વડોદરા એરપોર્ટ ખાતે આવશે અને ત્યાંથી કેવડિયા પહોંચી 280 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડ નિહાળશે. એકતા નગર સ્થિત નર્મદા ઘાટ, નર્મદા ડેમ, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડિંગ સહિત તમામ પ્રવાસન સ્થળો પર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ગંગામૈયાની જેમ નર્મદા મૈયાની આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂપથી ઊભું કર્યું છે. જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આદ્યાત્મની ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઈ રહ્યો છે.
કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે અનેક નજરાણાં ઉમેરવામાં આવ્યાં છે. પ્રવાસીઓ માટે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરાયુ છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેસર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મા નર્મદાની વિશેષ આરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર પટેલના સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજથી બે દિવસ માટે કેવડિયાની મુલાકાત રહેશે. આજે એકતા નગરમાં રૂ. 280 કરોડથી વધુના ખર્ચના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી તેઓ 6.0 કાર્યક્રમમાં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ "આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ" છે. 99મો કોમન ફાઉન્ડેશન કોર્સ-આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસીસના 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ થાય છે. કાલે 31મી ઓક્ટબર ગુરૂવારે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે. જયાં તેઓ સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલશે. રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિના સાંનિધ્યમાં સવારે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. સવારે 9 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા જવા રવાના થશે. વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમને અનુલક્ષીને કેવડિયા તથા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કેવડિયાને 'નો ફલાયઝોન' પણ જાહેર કરી દેવાયું છે.