ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, બે દિવસમાં હાર્ટ એટેકથી 9 યાત્રિકોનાં મોત
- 36 કિમીની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા,
- હાર્ટ એટેકથી મોત થયેલા 8 લોકોની ઉંમર 50 વર્ષથી વધુ,
- ગત વર્ષે પણ પરિક્રમામાં હ્રદયરોગના હુમલાથી 5નાં મોત નિપજ્યા હતા
જુનાગઢઃ ગરવા ગિરનારની ૩6 કિલોમીટરની લીલી પરીક્રમાનો ગઈકાલે દબદાભેર પ્રારંભ થયો હતો. ભાવિકોના ઘસારાને ધ્યાને રાખીને સોમવારે વહેલી સવારે 6 કલાકે પરિક્રમાનો ગેટ ખોલવામાં યાત્રિકોએ એક દિવસ વહેલા પરિક્રમા શરૂ કરી દીધી હતી. પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા છે. પરિક્રમાના બે દિવસ દરમાન 9 યાત્રિકોના હાર્ટએટેકથી મોત થયા છે. આ બનાવથી સાથે આવેલા યાત્રીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. પરિક્રમા દરમિયાન કુલ 9 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. આ અંગે જુનાગઢના સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટએ જણાવ્યું કે 8 મૃતદેહને સિવિલમાં લાવવામાં આવ્યા છે.તમામ વ્યક્તિની ઉંમર 50 વર્ષથી વધુની છે. હાર્ટના દર્દીઓએ પરિક્રમામાં સતત ચાલવું ન જોઈએ અને શરીરની કાળજી રાખવી જોઈએ.
સૂત્રોના કહેવા મુજબ જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ,, મુંબઈ અને અમદાવાદના એક એક અને રાજકોટના 3 યાત્રિકોના સહિત કૂલ 9 યાત્રિકોના હ્રદય રોગના હુમલાથી મોત થયા છે. મૃતકોના સગા-સંબધીઓને જાણ કરી દેવામાં આવી છે. યાત્રા દરમિયાન યાત્રિકોની તબીયત અસ્વસ્થ જણાય તો વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગ યાત્રિકોની સેવામાં કામ કરી રહ્યો છે. ગત વર્ષે સમગ્ર પરિક્રમા દરમ્યાન પાંચ યાત્રિકના મોત થયા હતા. જ્યારે આ વર્ષે બે દિવસમાં જ પરિક્રમા કરવા આવેલા સાત યાત્રિકોએ રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધો હતો.