સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી રમતના લાંબા ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગે અઠવાડિયાથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. તે હવે ફક્ત વનડેમાં જ રમશે. છત્રીસ વર્ષના કોહલીએ ગયા વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેમણે 46.85 ની સરેરાશથી 30 સદીની મદદથી 9230 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પેજ ઉપર જણાવ્યું હતું કે, જ્યારે હું રમતના આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું ત્યારે તે સરળ નથી,પણ તે યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષાઓ કરતાં વધુ આપ્યું છે. "હું રમત માટે, મેદાન પર રમનારા લોકો માટે અને આ સમય દરમિયાન મને રમતા જોનારા દરેક માટે કૃતજ્ઞતા અનુભવું છે." તેમની નિવૃત્તિ સાથે, ટેસ્ટ ફોર્મેટમાંથી ભારતીય અનુભવી ખેલાડીઓની વિદાય ચાલુ છે. રવિચંદ્રન અશ્વિન (ડિસેમ્બરમાં) અને રોહિત શર્મા (ગયા અઠવાડિયે) પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
રોહિત શર્માની નિવૃત્તિ પછી, વિરાટ કોહલીએ બીસીસીઆઈને જાણ કરી હતી કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, જોકે મેનેજમેન્ટ ઇચ્છતું હતું કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર જાય. પરંતુ કોહલીએ તેની વાત સાંભળી નહીં. બીસીસીઆઈએ હજુ સુધી ઇંગ્લેન્ડ પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરનાર ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરી નથી. આમાં શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહના નામ આગળ આવી રહ્યા છે.