જન્માષ્ટમી પર્વને લઈને એસટી દ્વારા દ્વારકા માટે વધારાની બસો દોડાવી
ગાંધીનગરઃ શ્રાવણ માસ અને ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા યાત્રાધામ દ્વારકા જતાં ભાવિકો માટે વિશેષ બસ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુથી, આગામી 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની 16 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને રાજ્યભરમાંથી વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ શ્રદ્ધાળુઓની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં એસ.ટી. વિભાગે આ વિશેષ સેવા માટે પૂરતા માનવબળની પણ વ્યવસ્થા કરી છે. જેમાં 25 ડ્રાઈવર, 25 કંડક્ટર, 4 સુપરવાઈઝર અને 5 મિકેનિક્સ સહિત કુલ 59 કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. આ વધારાની બસો દ્વારકા, બેટ-દ્વારકા, જૂનાગઢ, જામનગર, હર્ષદ જેવા મુખ્ય સ્થળો વચ્ચે દોડશે. જો યાત્રાળુઓની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ વધારો થશે, તો તાત્કાલિક ધોરણે વધારાની 51 બસોની ફાળવણી કરવા માટે પણ એસ.ટી. વિભાગે તૈયારી કરી રાખી છે. આ વ્યવસ્થાથી જન્માષ્ટમી પર્વે દ્વારકા જતાં હજારો ભાવિકોનો પ્રવાસ વધુ સુગમ અને આરામદાયક બનશે.