ગુજરાતમાં એસ.ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા એસ. ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, લોકલ સર્વિસના ભાડામાં ચાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. હાલમાં લોકલ સર્વિસમાં 85 ટકા એટલે કે, 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. અગાઉ GSRTC દ્વારા વર્ષ 2023માં બસના ભાડામાં 25 ટકાનો વધારો કરાયો હતો. સલામત સવારી એસટી અમારીના સૂત્ર સાથે રાજ્યમાં દરરોજ આઠ હજાર જેટલી બસનું સંચાલન થાય છે. સત્તાવાર યાદી મુજબ, આ તમામ બસ 32 લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને 27 લાખ મુસાફરોને પરિવહનની સુવિધા પૂરી પાડે છે.
અમદાવાદથી વડોદરાનું ભાડું રૂ.114થી વધીને રૂ.125, અમદાવાદથી સુરતનું ભાડું રૂ.194થી વધીને રૂ.213, અમદાવાદથી રાજકોટનું ભાડું રૂ.171થી વધીને રૂ.188, અમદાવાદથી જામનગરનું ભાડું રૂ.216થી વધીને રૂ.238, અમદાવાદથી ભાવનગરનું ભાડું રૂ.154થી વધીને રૂ.169, અમદાવાદથી દાહોદનું ભાડું રૂ.165થી વધીને રૂ.182 અને અમદાવાદથી ગોધરાનું ભાડું રૂ.121થી વધીને રૂ.133 થયું છે.
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એસટી બસના ભાડામાં આજથી ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકાયો છે,આજથી નવા ભાડાની અમલવારી શરૂ થઈ ગઈ છે,48 કિમીની મુસાફરીમાં રુ.1 થી 4 સુધીનો વધારો કરવામાં આવ્યો છે,ત્યારે ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ સરકારે એસટી બસના ભાડામાં વધારો કરતા સરકારની આવકમાં પણ વધારો થશે.નિયમ મુજબ 68 ટકાનો વધારો સૂચવાયો હતો.