ગાંધીનગરથી અમદાવાદના એસટી બસ ભાડામાં વધારો, હવે રૂપિયા 32 ભાડું ચૂકવવું પડશે
- શહેરી બસ સેવાનું મિનિમમ ભાડું 12 અને સરખેજનું ભાડુ 33 રૂપિયા કરાયું
- એસટી બસમાં ભાડા વધારાથી ગાંધીનગર ડેપોની આવકમાં રોજ 60 હજારનો વધારો
- બસ ભાડા વધારાથી પાટનગરની મુલાકાત લેવી મોંઘી પડશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે તાજેતરમાં એસટી બસના ભાડાંમાં 10 ટકાનો વધારો કરતા હવે એસટીની સસ્તી સવારી મોંઘી થઈ છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઈન્ટરસિટી એસટી બસ દોડાવવામાં આવી રહી છે. જેમાં હવે ગાંધીનગરથી અમદાવાદ જવા માટે 32 રૂપિયા અને સરખેજ જવા માટે 33 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. જ્યારે એસ ટી બસનું મિનિમમ ભાડુ રૂપિયા 12 કરવામાં આવ્યું છે. અગાઉ મિનિમમ ભાડું અગાઉ 10 રૂપિયા હતું. જોકે ભાડામાં વધારો કરવાથી ગાંધીનગર એસટી ડેપોને દરરોજની આવકમાં રૂપિયા 60 હજારનો વધારો થયો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં લાંબા અને ટુંકા અંતરની બસોના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો છે. આ નવા ભાડાની અમલવારી ગત તારીખ 28મી, શનિવારની મધ્યરાત્રીના 12 કલાક બાદ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી શહેરી બસ સેવા, ગાંધીનગરથી સરખેજ અને ગ્રામ્ય વિસ્તારોમાં દોડતી લોકલ તેમજ દ્વારકા, સોમનાથ, કચ્છ સહિતના લાંબા અંતરની બસોના ભાડામાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બસના ભાડામાં થયેલા વધારાને પગલે નગરના ડેપોની દરરોજની આવકમાં રૂપિયા 60 હજારનો વધારો થયો છે.
ગાંધીનગરના ડેપોમાંથી ગ્રામ્ય, લાંબા અંતર તેમજ અમદાવાદ અને સરખેજ દોડતી શહેરી બસના ભાડામાં પણ વધારો થયો છે. આથી અગાઉ મિનિમમ ભાડુ રૂપિયા 10 હતું. તેમાં વધારો થઇને હવેથી મિનિમમ ભાડુ રૂપિયા 12 કરવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગરથી અમદાવાદનું ભાડું એક ટીકિટનું રૂપિયા અગાઉ 29 રૂપિયા હતું. તેમાં વધારો થતાં હવે એક ટીકિટનું ભાડુ રૂપિયા 32 થયું છે. તેવી રીતે ગાંધીનગરથી સરખેજનું અગાઉ ભાડુ રૂપિયા 30 હતું. તેમાં વધારો થવાથી હવે એક ટીકિટનું ભાડું રૂપિયા 33 થયું છે. જોકે ગાંધીનગરના ડેપોમાંથી ગ્રામ્ય, અમદાવાદ-ગાંધીનગર અને સરખેજ ગાંધીનગર વચ્ચે દોડતી શહેરી બસ સેવા અને લાંબા અંતરની વોલ્વો તેમજ સ્લીપર, એસી અને નોન એસી બસોના ભાડામાં પણ 10 ટકાનો વધારો કરાયો છે. ગાંધીનગરના ડેપોમાંથી દરરોજની 350 ટ્રીપો બસની થાય છે. આથી પ્રતિ દિન ડેપોની આવક હાલમાં રૂપિયા 6 લાખની થાય છે. તેમાં હવે રૂપિયા 60 હજારનો વધારો થવાથી હવે ડેપોની પ્રતિદિનની આવક રૂપિયા 6.60 લાખની થઈ છે.