શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે PM મોદી સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દે કરી ચર્ચા
નવી દિલ્હીઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે તેમની ભારત મુલાકાતના બીજા દિવસે સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર આને લગતો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.
સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકેની આ પ્રથમ વિદેશ યાત્રા છે. તેઓ ગઈકાલે રવિવારે ત્રણ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેમણે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ચર્ચા કરી. તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત કરવાના છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ પણ દિલ્હીમાં એક બિઝનેસ ઈવેન્ટમાં હાજરી આપવાના છે અને બોધ ગયાની મુલાકાત લેવાના છે.