ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના પુનઃ ગઠનની ચાલતી અટકળો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ હવે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો,
- કોને પડતા મુકાશે અને કોનો સમાવેશ કરાશે તે અંગે ચર્ચા,
- 10થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા
ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એમાંયે જ્યારે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે જાય ત્યારે રાજ્કીય નેતાઓ, ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓમાં મંત્રી મંડળના વિસ્તરણ અને કોને પડતા મુકાશે અને કોમો સમાવેશ કરાશેની ચર્ચા થતી હોય છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા હતા. ત્રણેય નેતાઓએ વડાપ્રધાન મોદી સાથે મેરેથોન બેઠક કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ ત્રણેય નેતાોને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા હતા. આજે સવારે ત્રણેય નેતઆો પરત આવી ગયા બાદ ફરીવાર મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પડડ્યુ છે.
આધારભૂત સૂત્રો ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ આગામી 16મીઓક્ટોબરના રોજ એટલે કે અગિયારસના પવિત્ર દિવસ થઈ જશે એવો દાવો કરી રહ્યા છે. કહેવાય છે કે, હાલના વિધાનસભાના સ્પીકર અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સમાવવાના મુદ્દે હજુ કેટલીક અવઢવ ચાલી રહી છે. રાજકીય તજજ્ઞો માને છે કે, મંત્રી મંડળના વિસ્તરણમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તેમજ આરોગ્ય મંત્રી સિવાયના મોટાભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે તેમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે. એવી ચર્ચાઓ છે.
સૂત્રોના કહેવા મુજબ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાંથી કયા મંત્રીની હકાલપટ્ટી કરવી અને કોને એન્ટ્રી આપવી તેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરતા હોય છે. પરંતુ એવી અટકળો થઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનોની તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે. જેમાં પાટિદાર અને ઓબીસી ફેકટરને ખાસ ધ્યાનમાં રખાશે.