અમદાવાદના કાંકરિયામાં લેસર શોનો અદભૂત નજારો
- શોપિંગ ફેસ્ટિવલમાં લોકો ઉમટી પડ્યા,
- લેસર શોના નજારાની લોકોએ મોબાઈલ ફોનથી તસવીરો લીધી
- રંગબેરંગી રોશનીથી કાંકરિયાએ સોળે શણગાર સજ્યા
અમદાવાદઃ શહેરના કાંકરિયા લેકને દિવાળીના તહેવારો પહેલા જ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. હાલ કાંકરિયા ખાતે શોપિંગ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને તે અંતર્ગત લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત પડતા જ રંગબેરંગી રોશની અને લેસર શોનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ નજારાને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.
શહેરના કાંકરિયા ખાતે શોપિંગ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ફેસ્ટિવલ અંતર્ગત લેસર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. લેસર શોમાં તિરંગો દર્શાવી લોકોને દેશભક્તિનાં દર્શન કરાવ્યાં હતાં. રાત પડતા જ રંગબેરંગી રોશનીથી કાંકરિયા તળાવે સોળે શણગાર સજ્યા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. સાંજના સમયે લોકો કાંકરિયા તળાવની લહેરોને માણવા આવતા હોય છે. પરંતુ શોપિંગ ફેસ્ટિવલથી લોકોમાં કાંકરિયા તળાવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં લેસર શોએ ચાર ચાંદ લગાવ્યા છે. તેમજ દિવાળી નજીક આવી રહી હોય ત્યારે કાંકરિયા તળાવે સજેલા રંગબેરંગી રોશનીના શણગારે તેની શોભા વધુ ને વધુ વધારી રહ્યું છે. અન્ય રાજ્યોમાંથી અમદાવાદની મુલાકાતે આવતા લોકો કાંકરિયા લેકની મુલાકાત લેતા હોય છે. કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. તેમજ અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે. હાલમાં આ ટ્રેન તળાવની ફરતે 3.9 કિમીના પથ પર 10 કિમીની ઝડપે ચાલે છે. આ ટ્રેન કુલ 150 વ્યક્તિની ક્ષમતા ધરાવે છે.