સુરતના ઉધનાથી દાનપુર વચ્ચે આજથી ત્રણ દિવસ સ્પેશિયલ ટ્રેન દોડશે
- હોળી-ધૂળેટીના પર્વને લીધે પરપ્રાંતિ શ્રમિકોની ભારે ભીડ
- ગત શનિવાર અને રવિવારે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી
- ઉધનાથી દાનપુર જવા માટે બપોરે 2.15 વાગ્યે ટ્રેન રવાના થશે
સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત અનેક ઉદ્યોગોમાં મોટાભાગના પરપ્રાંતિ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. આ પરપ્રાંતના શ્રમિકો હાળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન ઉત્તર પ્રદેશ અને બિહાર જતા હોય છે. ત્યારે હાલ સુરતના ઉઘના રેલવે સ્ટેશને પરપ્રાંતિ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં ઉધનાથી 6 જોડી ખાસ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, સુરત, ઉધના અથવા ભેસ્તાનથી લગભગ 11 જોડી ટ્રેનો પસાર થઈ રહી છે.દરમિયાન પશ્ચિમ રેલવે 10, 11, 12 માર્ચે ઉધના અને દાનાપુર વચ્ચે એક-એક ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેતા આજે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ ટ્રેન 09053 ઉધના-દાનાપુર સ્પેશિયલ આજે સોમવાર, 10 માર્ચના રોજ ઉધનાથી બપોરે 2.15 વાગ્યે રવાના થઈ હતી. અને બુધવારે બપોરે 12.45 વાગ્યે દાનાપુર પહોંચશે. પરત ફરતી વખતે, 09054 દાનાપુર-ઉધના સ્પેશિયલ બુધવાર, 12 માર્ચના રોજ સવારે 6 વાગ્યે દાનાપુરથી ઉપડશે અને ગુરુવારે બપોરે 2.30 વાગ્યે ઉધના પહોંચશે. જ્યારે બીજી ટ્રેન 09011 ઉધના-દાનાપુર સ્પેશિયલ 11 માર્ચ, મંગળવારના રોજ સવારે 11.25 વાગ્યે ઉધનાથી ઉપડશે અને બુધવારે બપોરે 1.30 વાગ્યે દાનાપુર પહોંચશે. પરત ફરતી વખતે, 09012 દાનાપુર-ઉધના સ્પેશિયલ બુધવાર, 12 માર્ચના રોજ સાંજે 4.45 વાગ્યે દાનાપુરથી ઉપડશે અને ગુરુવારે રાત્રે 11.30 વાગ્યે ઉધના પહોંચશે. તેમજ ત્રીજી ટ્રેન 09021 ઉધના-દાનાપુર સ્પેશિયલ 12 માર્ચ, બુધવારના રોજ ઉધનાથી બપોરે 2.15 વાગ્યે ઉપડશે અને શુક્રવારે બપોરે 12.45 વાગ્યે દાનાપુર પહોંચશે. પરત ફરતી વખતે, 09022 દાનાપુર-ઉધના સ્પેશિયલ શુક્રવાર, 14 માર્ચના રોજ સવારે 6 વાગ્યે દાનાપુરથી ઉપડશે અને શનિવારે બપોરે 2.30 વાગ્યે ઉધના પહોંચશે.