ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને લીધે અમદાવાદ-દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન દોડશે
- 6ઠ્ઠી મેથી 17મી જુન સુધી દર મંગળવારે સવારે ટ્રેન અમદાવાદથી ઉપડશે
- બીજા દિવસે સાંજે ટ્રેન દાનપુર પહોંચશે
- દાનપુરથી દર બુધવારે ટ્રેન અમદાવાદ માટે રવાના થશે
અમદાવાદઃ ઉનાળાના વેકેશનને પ્રારંભ થતાં જ ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. વેઈટિંગલિસ્ટ પણ વધતું જાય છે. ત્યારે ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. પરપ્રાંતના લોકો ઉનાળાના વેકેશનમાં પોતાના માદરે વતન જતા હોય છે. તેના લીધે ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આથી પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદ-દાનપુર વચ્ચે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નંબર 09407 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 6 મે 2025 થી 17 જૂન 2025 સુધી અમદાવાદથી દર મંગળવારે સવારે 09.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09408 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 7 મે 2025 થી 18 જૂન 2025 સુધી દર બુધવારે દાનાપુરથી 22:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 06:00 કલાકે અમદાવાદ પહોંચશે.આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે. ટ્રેન બુકિંગ 02 મે થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનના જવાઈ બાંધ-મોરી બેડા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 675 કિમી 518/3-4 પર RCC બોક્સ લોન્ચિંગ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે 01 અને 02 મે 2025 ના રોજ જોધપુરથી દોડનારી ટ્રેન નં. 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે તેમજ 02 અને 03 મે 2025 ના રોજ સાબરમતી થી દોડનારી ટ્રેન નં. 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.