ગુજરાતમાં ગાંધી જ્યંતિના દિને 4245 ગામોમાં બાળલગ્નો સામે યોજાશે ખાસ ગ્રામસભા
- ગામમાં બાળલગ્નો નહી કરવા દેવાનો’ ખાસ ઠરાવ પસાર કરાશે,
- મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા કરાયુ આયોજન,
- ગ્રામસભાઓમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, મહિલા સશક્તિકરણ, બાળમજૂરી રોકવા ચર્ચા થશે
ગાંધીનગરઃ ગુજરાતના 4245 ગામોમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ ખાસ ગ્રામસભાઓ યોજાશે. રાજ્યના 4245 ગામોમાં ગ્રામસભા ખાસ બાળલગ્ન રોકવા અને જાગૃતિ વધારવા માટે યોજાવાની છે. જેમાં ‘ગામમાં બાળલગ્ન નહીં કરવાનો અને નહી કરવા દેવાનો’ ખાસ ઠરાવ પસાર કરાશે.
ગુજરાતના કેટલાક ગામોમાં હજુ પણ છાનાખૂણે બાળલગ્નની પ્રથા ચાલી રહી છે, જેને નાબૂદ કરવા માટે અને લોકોમાં જાગૃતિ આણવા માટે સરકાર કટિબદ્ધ બની છે. અને તેના ભાગરૂપે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે રાજ્યના તમામ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવાનો સરકારે નિર્ણય લીધો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા આ દિશામાં સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી છે. વિકાસ કમિશ્નરે રાજ્યના 15 જિલ્લાઓના 94 તાલુકાઓ હેઠળના 4245 ગામોમાં આ પ્રકારની ખાસ ગ્રામસભા યોજવા આદેશ આપ્યો છે.
સરકારી આંકડા પ્રમાણે, ગ્રામ્ય વિસ્તારોમાં હજુય કિશોર વયની છોકરીઓના લગ્ન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. બાળલગ્નથી બાળકના શારીરિક તેમજ માનસિક આરોગ્ય પર ગંભીર અસર થતી હોય છે, સાથે સાથે તેમના શિક્ષણ, સામાજિક અને આર્થિક વિકાસના અવસર પણ અટકી જાય છે. જેને ધ્યાને રાખીને સરકારે આ મહત્વનો આદેશ આપ્યો છે. ગ્રામસભામાં ગ્રામજનોને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવશે કે, જો કોઈ ગામમાં બાળલગ્ન કરવાનો પ્રયાસ થાય તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવી પડશે.
સૂત્રોના કહેવા મુજબ, ગાંધી જયંતિની આ ખાસ ગ્રામસભા માત્ર બાળલગ્નનો મુદ્દો જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય, પોષણ, મહિલા સશક્તિકરણ, બાળમજૂરી રોકવા તેમજ સમાજ કલ્યાણ સંબંધિત યોજનાઓ પર પણ કેન્દ્રિત રહેશે. જિલ્લા કક્ષાએ આ આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ગ્રામસભા પહેલા પાંચેક દિવસ મહિલા સભા અને ગ્રામસભાની પૂર્વ તૈયારીઓ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, જેથી લોકો મોટા પ્રમાણમાં જોડાય અને વધુ માહિતગાર બને.