દ્વારકા મંદિરમાં હોળી ફૂલડોલ મહોત્સવમાં વિશેષ આયોજન
દ્વારકા મંદિરમાં ફૂલડોલ મહોત્સવમાં વિશેષ આયોજન
દ્વારકા મંદિરમાં હોળી-ધુળેટી તહેવારની ઉજવણી
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે
દ્વારકા મંદિરમાં હોળી પર ઇતિહાસમાં પ્રથમ વખત વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી હોળી અને ધુળેટીના તહેવારને લઈને દ્વારકામાં આખા મંદિરને લાઈટીંગથી શણગારવામાં આવ્યું છે. મંદિરમાં કરવામાં આવેલ વિશેષ લાઈટિંગનો નજારો જોઈ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી. મંદિરમાં ભક્તોની વધતી ભીડને લઈને પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
મંદિરની શોભામાં વધારો થશે
દ્વારકા મંદિરમાં હોળી-ધુળેટીના તહેવાર પર ભક્તોનો ભારે ધસારો રહે છે. ઇતિહાસમાં પ્રથમ વખત હોળી ફૂલડોલ ઉત્સવમાં દ્વારકાધીશ મંદિર પર લાઈટીંગ કરવામાં આવ્યું. અત્યાર સુધી કૃષ્ણ જન્માષ્ટમીમાં મંદિર પર લાઈટિંગ કરવામાં આવતી હતી પણ આ વખતે હોળી-ધુળેટી તહેવાર પર મંદિરમાં લાઈટીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી જગતમંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થશે.
મંદિરમાં હોળી-ધુળેટી તહેવારની ઉજવણી
ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોમાં દ્વારકા મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જુનું છે. વર્ષો જૂના અને હિંદુઓના આસ્થાનું પ્રતિક એવા રણછોડરાયના મંદિરમાં જન્માષ્ટમી બાદ હોળી અને ધુળેટીના તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દ્વારકામાં આ તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની મોટાપાયે ઉજવણી થાય છે. અંબાજી મંદિરમાં જેમ ભાદરવા પૂનમે માતાના દર્શન કરવાનું માહાત્મય છે તેમ દ્વારકામાં પણ હોળી તહેવાર દરમિયાન ભક્તો પગપાળા યાત્રા કરી ભગવાન કૃષ્ણના દર્શનનો લહાવો લે છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે
રાજ્યમાં અનેક સ્થાનો પરથી પગપાળા સંઘ નીકળે છે, અને હોળી અને ધુળેટીના દિવસે ત્યાં પંહોચે છે. તો કેટલાક ભક્તો સમયની વ્યસ્તતાને લઈને વાહન દ્વારા મંદિર પંહોચી દ્વારકાધીશના દર્શન કરે છે. હોળી અને ધુળેટી દરમિયાન રણછોડરાયના મંદિર દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાતં પગપાળા આવતા સંઘ માટે પણ માર્ગો પર જે - તે ગામના લોકો અને તંત્ર દ્વારા ભોજન અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.