સંભલમાં પોલીસ ઉપર થયેલા હુમલાના કેસનો સામનો કરતા સપાના સાંસદ બર્કને મળી ધમકી
સંભલઃ યુપીની સંભલ સંસદીય સીટના સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. સપા સાંસદના નિવાસસ્થાને કેરટેકર તરીકે કામ કરનાર કામીલે અજાણ્યા યુવકો સામે સાંસદ અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આરોપીઓ સાંસદના આવાસમાં ઘૂસી ગયા અને તેમને ધમકી આપી, આ મામલામાં નખાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરે કેરટેકર તરીકે કામ કરતા કામિલે આ અંગે નખાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કામિલે કહ્યું કે, અજાણ્યા આરોપીઓ એમપીના આવાસમાં ઘૂસી ગયા અને બર્ક તથા તેમના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ કહ્યું કે, તેઓ પિતા અને પુત્ર બંનેની હત્યા કરશે.
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી યુવક એ જ છે જે ગત શુક્રવારે મસ્જિદ પહોંચ્યો હતો, ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે, આ કેસમાં પોલીસે શાંતિ ભંગ કરવા બદલ યુવક સામે કાર્યવાહી કરી હતી. કેરટેકરની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં સપા સાંસદ ઝિયાઉર રહેમાન બરક આરોપી નંબર વન છે. જે બાદ પોલીસ પ્રશાસન પણ તેની સામે પોતાની પકડ કડક કરી રહ્યું છે. તાજેતરમાં જ તેમના ખાનગી રહેઠાણમાં ગેરકાયદેસર અતિક્રમણ અને વીજળી ચોરીનો મામલો પણ સામે આવ્યો હતો, જે બાદ તેમની સામે વીજળી ચોરીના આરોપમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે જ્યારે વિજળી વિભાગની ટીમ તેમના ઘરે તપાસ કરવા ગઈ ત્યારે એસપી સાંસદના પિતાએ અધિકારીઓને જોઈ લેવાની ધમકી આપી હતી.