દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ માર્શલ લોના આદેશનો બચાવ કર્યો
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે, તેમના માર્શલ લોના આદેશનો બચાવ કરતા કહ્યું કે, તેઓ અંત સુધી લડશે. યુને ગુરુવારે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, તેમનો પ્રયાસ લોકશાહીના પતનને રોકવા અને વિપક્ષની સંસદીય સરમુખત્યારશાહીનો સામનો કરવાનો કાનૂની નિર્ણય છે.
તેમણે સંકેત આપ્યો કે, તેઓ પદ છોડશે નહીં અને કહ્યું કે, તેઓ અંત સુધી લડશે, પછી ભલે તેમની તપાસ થાય કે મહાભિયોગ. તેમણે કહ્યું કે, માર્શલ લૉ લાદવાનો તેમનો નિર્ણય લોકશાહી અને બંધારણીય વ્યવસ્થાનું રક્ષણ કરવાનો હતો. યોલ દાવો કરે છે કે, સિસ્ટમ લકવાગ્રસ્ત થઈ ગઈ છે અને બંધારણ જોખમમાં મૂકાયું છે. આ કારણોસર, માર્શલ લો જેવા પગલાં લેવા પડ્યા. તેમનો આદેશ એ શાસનનું કાર્ય હતું જેની તપાસ કરી શકાતી ન હતી અને તે બળવો સમાન ન હતો.
યોલનું નિવેદન વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી નવા મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાના કલાકો પહેલા આવ્યું છે. વિરોધ પક્ષ શનિવારે ગૃહમાં મતદાન માટે નવો મહાભિયોગ પ્રસ્તાવ મૂકવાની યોજના ધરાવે છે. અગાઉ, ગયા શનિવારે યોલ પર મહાભિયોગ કરવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો, કારણ કે સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ નેશનલ એસેમ્બલીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
નોંધનીય છે કે, ગયા અઠવાડિયે મંગળવાર અને બુધવારની વચ્ચે યુન સુક-યોલે, દેશમાં માર્શલ લૉ લગાવી દીધો હતો. જો કે, લશ્કરી કાયદો માત્ર છ કલાક માટે જ અમલમાં રહ્યો, કારણ કે નેશનલ એસેમ્બલી (સંસદ)માં મતદાન થયું અને રાષ્ટ્રપતિના આદેશને પલટાવી દેવામાં આવ્યો. આ ઘટનાક્રમ બાદ યોલને, વિપક્ષી પાર્ટીઓ તેમજ સામાન્ય જનતાના જોરદાર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સામે તપાસ ચાલી રહી છે. બુધવારે પોલીસે, આ સંબંધમાં રાષ્ટ્રપતિની ઓફિસ અને પોલીસ હેડક્વાર્ટરમાં પણ દરોડા પાડ્યા હતા.