દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવએ દુબઈથી સોનાની 17 લગડી ખરીદી હતી
બેંગ્લોરઃ કન્નડ અભિનેત્રી રાન્યા રાવે પોલીસ સમક્ષ પોતાના પર લાગેલા સોનાની દાણચોરીના આરોપો અંગે ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેણે દુબઈથી 17 સોનાની લગડી ખરીદી હતી. આ ઉપરાંત તેમણે પોતાના વિદેશ પ્રવાસો વિશે પણ માહિતી આપી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાન્યા રાવે પોલીસને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણીએ યુરોપ, અમેરિકા અને દુબઈ અને સાઉદી અરેબિયા સહિત મધ્ય પૂર્વનો પ્રવાસ કર્યો છે. અગાઉ એવું બહાર આવ્યું હતું કે રાન્યા રાવે દુબઈની 27 યાત્રાઓ કરી હતી, જેના કારણે તે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની તપાસ હેઠળ આવી હતી.
અભિનેત્રીએ નિવેદનમાં તેના પરિવાર વિશે પણ જણાવ્યું હતું. રાન્યાએ કહ્યું કે, તેના પિતા કેએસ હેગદીશ એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે અને તેના પતિ જતીન હુક્કેરી એક આર્કિટેક્ટ છે જે તેની સાથે બેંગલુરુમાં રહે છે. રાન્યા રાવના સાવકા પિતા રામચંદ્ર રાવ કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપી છે.
સોમવારે રાત્રે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અભિનેત્રીની 14 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી, જેની કિંમત લગભગ 14.5 કરોડ રૂપિયા છે. રાન્યા રાવની ગતિવિધિઓ પર નજર રાખતા અધિકારીઓ શંકાસ્પદ બન્યા કારણ કે 15 દિવસમાં આ તેમની દુબઈની ચોથી મુલાકાત હતી. અભિનેત્રીની ધરપકડ બાદ, તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી લગભગ 2 કરોડ રૂપિયાના ઘરેણાં અને 2.67 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિનેત્રી એક દાણચોરી નેટવર્કનો ભાગ હતી અને દુબઈથી બેંગલુરુ સોનાની દાણચોરી કરવા માટે પ્રતિ કિલો સોનાના આશરે 4 થી 5 લાખ રૂપિયા વસૂલતી હતી. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો છે કે તેણીએ થોડું સોનું પહેર્યું હતું અને બાકીનું તેના કપડાંમાં છુપાવી દીધું હતું.
રાન્યા રાવના પિતા રામચંદ્ર રાવે કહ્યું કે સોનાની દાણચોરીના આરોપમાં તેમની સાવકી પુત્રીની ધરપકડથી તેઓ આઘાત પામ્યા છે. તેમની કારકિર્દી પર કોઈ ડાઘ નથી અને તેઓ લગભગ ચાર મહિનાથી, એટલે કે તેણીના લગ્ન થયા ત્યારથી રાણ્યાના સંપર્કમાં નથી.