હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કોઈ મુસીબતના કારણે માર્ગમાંથી હટી જાય જ્યારે કોઈ મુસીબતનો મુકાબલો કરીને કંઈક બની જાય

08:00 AM Apr 26, 2025 IST | revoi editor
Advertisement

(પુલક ત્રિવેદી)

Advertisement

બનારસમા ફેકટરીઓના ઘોંઘાટવાળા વિસ્તારમાં ધનાઢ્યોની કોલોની પાસે એક સાંકડી ગલીમાં નાનકડી ભાડાની ખોલીમાં રહેતા પરિવારના હોનહાર છોકરાની આ વાત છે. છઠ્ઠા સાતમામાં ભણતો આ છોકરો એક દિવસ રમતા રમતા એના મિત્ર સાથે તેના બંગલામાં પહોંચી ગયો. મિત્રના પિતાજી આ બાળકને જોઈને એની ઉપર ગુસ્સે થઈ ગયા, ધમકાવીને એમણે આ છોકરાને કહ્યું, ‘તારા જેવા પરિવારના છોકરાઓની મારા ઘરમાં આવવાની હિમ્મત થઈ કેવી રીતે ? ’ આમ કહીને હાથ પકડીને એને બંગલાની બહાર કાઢી મૂક્યો. એ ચોંકી ગયો. અંકલના આવા બેહુદગીભર્યા વર્તનથી. દસ-બાર વર્ષના આ નાના બાળકને ખબર જ ન પડી કે અંકલ એકદમ મારી ઉપર ગુસ્સે કેમ થઈ ગયા ?

પુલક ત્રિવેદી

દિવસો સુધી આ બાળકના મનમાં મિત્રના પિતાજીએ કરેલો ગુસ્સો અને વર્તણૂંક સતત ઘુમરાતા રહ્યાં અને એનો જવાબ શોધવા એનું બાળમાનસ મથતું રહ્યું. પણ તેને કોઈ જવાબ ન મળ્યો. આ બાળકે એની ગલીમાં રહેતા એક વરિષ્ઠ સજ્જનને એના મિત્રના પિતાજીએ કરેલા ગુસ્સાની વાત કરી અને પૂછ્યું ‘મારા કોઈપણ વાંક વગર એ અંકલે મારી ઉપર ગુસ્સો કરીને મને એમના ઘરની બહાર કેમ કાઢી મૂક્યો ?’ ગલીના વરિષ્ઠે બાળકને સમજાવ્યું કે, ‘બેટા તારા પરિવારના સામાજિક ‘બેકગ્રાઉન્ડ’ને કારણે એ અંકલે તારી ઉપર આવો ગુસ્સો કર્યો.’

Advertisement

બાળકે સહજતાથી પૂછ્યું ‘ મારું આ બેગ્રાઉન્ડ કેવી રીતે બદલી શકાય ?’

પેલા વરિષ્ઠે જવાબ આપ્યો ‘તારા પિતાજીનો વ્યવસાય બદલાય અથવા તું તારી જાતને સમાજમાં એવા સ્થાને મૂકી દે કે એની ઉપર જવાનું કોઈ કલ્પી ન શકે.’

બાળકે ફરી પ્રશ્ન કર્યો, ‘આ દેશમાં એવું શું છે કે, એની ઉપર જવાનું કોઈ વિચારી ન શકે ?’

વરિષ્ઠે મજાકમાં કહ્યું કે, ‘તું આઈ.એ.એસ. બની જાય તો એની ઉપરની કોઈ જોબ નથી.’

બસ, એ દિવસે આ બાળકે દ્રઢ સંકલ્પ કર્યો કે, હું આઈ.એ.એસ. બનીશ. પાંચ વ્યક્તિનો પરિવાર. બાર બાય આઠની ભાડાની ખોલી. આસપાસ ફેકટરીઓ અને જનરેટરનો ઘોંઘાટ. આર્થિક સંકડામણ અને ઉપરથી આસપાસના લોકોના મહેણાં-ટોણાં. હદ તો ત્યાં સુધીની હતી કે, આ બાળકની બહેન ભણવા જતી તો લોકો ચીઢવતા કે, ‘તું શું કામ ભણવા જાય છે. આના કરતાં તો બે-ચાર ઘરે કામ કરીશ તો તારા પરિવારને મદદ થશે ?’ આ બાળક પણ જ્યારે ભણતો હોય ત્યારે લોકો મશ્કરી કરતાં કે, ‘ભાઈ, તું ભણીને શું કરીશ ? વધુમાં વધુ એક ને બદલે બે રિક્ષા આવશે...’

બેટાના અભ્યાસ માટે પિતાજીએ દિલ્હીમાં રિક્ષા ચલાવી. સખત મહેનત કરી. દેવું કર્યું અને દીકરાને ભણાવ્યો. મજબૂત સંકલ્પ અને સખત મહેનતના બળે દીકરો પણ યુ.પી.એસ.સી.ની લેખિત પરીક્ષાઓમાં પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ થઈ ગયો. ઈન્ટરવ્યૂ માટે જવાનો સમય આવ્યો ત્યારે આ છોકરા પાસે સારા કપડાં અને બૂટ નહોતા. આ સમસ્યા દૂર કરી સાસરે ગયેલી મોટી બહેને. બહેને આપ્યા રૂ. ૨૦૦૦. પણ આ ૨૦૦૦ રૂપિયા આપવા પાછળનો ઇતિહાસ પણ રૂવાડા ખડા કરી દે એવો છે. બહેને એની ડિલીવરી માટે બચાવી રાખેલા પૈસા ભાઈને ઈન્ટરવ્યૂ માટે આપી દીધા.

આખરે આ છોકરાના દ્રઢ સંકલ્પે શાનદાર ભવિષ્યનું સોણલું સાકાર કર્યુ. આ સંકલ્પવાન છોકરો એટલે ગોવિંદ જયસ્વાલ. એક રિક્ષા ચાલકનો દીકરો દ્રઢ સંકલ્પ અને જોરદાર મહેનતથી દેશની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત ગણાતી સનદી અધિકારીની નોકરી માટેની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયો અને સનદી અધિકારી બન્યો. કામિયાબી ક્યારેય મોટી નથી હોતી. કામિયાબી મેળવનારનો દ્રઢ સંકલ્પ મોટો હોય છે. આપણે એમ કહેતાં હોઈએ છીએ કે તીરાડો મોટી છે, પણ તીરાડો ક્યારેય મોટી ન હોય. મુશ્કેલીઓ, વિડંબણાઓ, પ્રશ્નોની દરારની મોટી સાઇઝ જોયા કરવાવાળો ક્યારેય વિકસી ન શકે. દ્રઢ સંકલ્પ અને મજબૂત મનોબળથી પ્રશ્નોની તીરાડ પૂરવાવાળો જ જીતતો હોય છે. આગળ વધતો હોય છે અને સફળ થતો હોય છે.

એક મિત્રનો દીકરો ૧૨મા ધોરણમાં ભણતો હતો. આ બાળક ખૂબ હોંશિયાર, ખૂબ મહેનતું. ૧૨મા ધોરણની શાળાની તમામ આંતરિક પરીક્ષામાં એ અવ્વલ રહેતો. પ્રિલિમ પરીક્ષામાં પણ એ આખી શાળામાં ૯૮ ટકા લાવીને પ્રથમ આવ્યો અને ૧૨મા ધોરણની ફાઈનલ પરીક્ષાના પચીસેક દિવસ પહેલા ટ્યુશને જતાં મોટરસાઈકલ પરથી સ્લીપ થયો. પગમા ફ્રેકચર થયું. ડૉકટર બનવાનું એનું સ્વપ્ન રોળાઈ જશે એમ બધા જ વિચારતાં હતાં. પણ આ બાળકે દ્રઢ મનોબળથી કરેલા નિર્ધાર અને સંકલ્પે એને ડગવા દીધો નહીં. મહેનતમાં કોઈ કચાશ રાખી નહીં. હાડકાના દર્દને એણે એના સંકલ્પની સંજીવનીથી નેસ્તનાબુત કરી નાખ્યું. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે આ મિત્રનો દીકરો ૯૯ ટકા માર્ક સાથે ઉત્તીર્ણ થયો. એ મનપસંદ મેડિકલ કૉલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શક્યો.

જીવનમાં ક્યારેય અટકીશ નહીં એવો નિર્ણય લેવો પડે. શક્ય છે કે, તમે લડખડાઓ, પડો પણ ખરા પણ અટકવાનું કે પાછા વળવાનું નામ ન હોવુ જોઇએ. હંમેશા સંકલ્પ નજર સામે રાખીએ અને બસ એની માટે લગનથી આગળ ધપતા રહેવાની જ મજા છે. જીવનમાં ક્યારેય કશું ઓછું હોતું જ નથી. વચમાં જ્યારે પણ જે અટકે અથવા પાછો વળે તો નિઃસંદેહપણે સમજવું કે એ વ્યક્તિ સંકલ્પવાન નથી. પડે, આખડે, લડખડાય પણ અટકે નહીં એ સંકલ્પવાન કહેવાય. પતંગને તેના ભવિષ્યની ખબર છે કે, તેણે કપાઈને ફાટી-તુટીને કચરાના ઢગલામાં જ જવાનું છે. પણ ભવિષ્યને મનમાં વાગોળીને ખૂલા આસમાનમાં ઊડવાનો દ્રઢ સંકલ્પ એ છોડી ન શકે. જ્યારે આસમાનમાં ઊડવાનો જ સંકલ્પ કર્યો હોય તો પછી ગગનની વિશાળતા જોઈને ગભરાઇને બેસી રહેવાનું વ્યર્થ છે. આકાશમાં ઊડવાનો આનંદ અને એનો સંકલ્પ એ જ સૌથી અગત્યની વાત છે.

મોટું વિચારો, જલ્દી વિચારો, આગળ વિચારો. તમારા વિચારો ઉપર તમારો જ અધિકાર છે. તમારા સંકલ્પ તમારી પાંખ છે. સંકલ્પની દ્રઢતા ઊડાનને આસાન બનાવે છે. એક ઇચ્છાથી કશું ન બદલી શકાય. એક નિર્ણયથી કદાચ થોડું ઘણું બદલી શકાય. પણ એક સંકલ્પથી ઘણું બધું બદલી શકાય. ઇચ્છાઓના બીજ ત્યારે જ અંકુરિત થઈ વટવૃક્ષ બને જ્યારે એને દ્રઢ નિશ્ચય અને મજબૂત સંકલ્પની ફળદ્રુપ ભૂમિમાં વાવવામાં આવે. એ વ્યક્તિને હરાવવો ખૂબ મુશ્કેલ છે કે જે હારવા માંગતો જ નથી. એક બાબત મનમાં કોતરાઈ જવી જોઈએ કે જે તમારી ઇર્ષા કરે છે એને ક્યારેય ધૃણાની નજરે ન જોવા બલ્કે દયાની નજરે જોવા કારણ કે આ લોકો સમજે છે કે, એમનાથી તમે ઘણાં આગળ છો.

ફેસબુકનું સર્જન કરી દુનિયાભરને ઝડપી કોમ્યુનિકેશનની નવી પરિભાષા શીખવાડનાર માર્ક ઝકરબર્ગ કહે છે કે, ‘લોકો એની પરવા નથી કરતા કે તમે શું કહો છો, લોકો તો એ જુએ છે કે તમે શું કરો છો, તમારું કાર્ય શું છે, પરિણામ શું છે અને તમારી પ્રોડક્ટ શું છે ?’ જીવન સૌંદર્યથી ભરપુર છે. એને દ્રઢ સંકલ્પની સંજીવનીથી જોવું પડે, મહેસૂસ કરવું પડે, સંપૂર્ણ રીતે જીવવું પડે. મજબૂત ઇરાદાઓ, સખત પરિશ્રમના બળથી એને હકીકતમાં પલટાવવા જોઈએ. હરીપ્રસાદ દ્વિવેદીજીએ સરસ વાત કરી છે. ‘મહાન સંકલ્પો જ મહાન ફળના જનક હોય છે.’ સંકલ્પ મનુષ્યનું સાચું બળ છે. જે વ્યક્તિએ સંકલ્પ કર્યો એની માટે હવે માત્ર કાર્ય જ કરવાનું બાકી હોય છે. સમય નથી એ તો બહાનુ છે. સફળ થયેલા વ્યક્તિ પાસે દિવસના ૨૪ કલાક છે એમ તમારી પાસે પણ દિવસના ૨૪ કલાક જ છે.

જીવનનો સ્પષ્ટ નિયમ છે, આત્મવિશ્વાસ ડગતો હોય તો એને વધારવા માટે એ જ કામ કરો કે, જેનાથી સૌથી વધારે તમને ડર લાગતો હોય. મુસીબત અને સંકલ્પ આડેના અંતરાયો બધા ઉપર આવે, પણ કોઈ મુસીબતથી હટી જાય અને કોઈ મુસીબતને કારણે કંઈક બની જાય. સંકલ્પમાં સૌથી વધુ તાકાત હોય છે. યાદ રહે, જીવનમાં સૌથી વધુ ખુશી એ કામમાં આવવી જોઈએ કે, જે કામ કરવા માટે લોકો એમ કહેતા હોય કે, ‘ ભાઈ રહેવા દે આ કામ તું નહીં કરી શકે. ‘જો તમે તમારું સ્વપ્નું નહીં સજાવોને તો કોઈક બીજો તેનું સમણું સાકાર કરવા તમને એની મદદ માટે ભાડે રાખી લેશે. સંકલ્પો સ્વપ્નું સજાવે છે. આપણે એવા જ બનીએ છીએ જેવું આપણે વિચારીએ છીએ. એક ઇચ્છાથી કશું ન બદલી શકાય, એક નિર્ણયથી કદાચ થોડું ઘણું બદલી શકાય પણ સંકલ્પથી ઘણું બધું બદલી શકાય છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article