માલદા સરહદ પસ બોગસ ચલણી નોટોની તસ્કરીનો પર્દાફાશ
માલદા : ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ દક્ષિણ બંગાળ સીમા અંતર્ગત 71મી બટાલિયનની સીમા ચોકી સોવાપુર ખાતે બીએસએફના જવાનોને ગુપ્ત માહિતીના આધારે મોટી સફળતા મળી છે. જવાનોએ બોગસ નોટોની તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી રૂ. 1,99,500 મૂલ્યની રૂ. 500ના દરની કુલ 399 નોટો જપ્ત કરી છે.
માહિતી મુજબ, સીમા ચોકી સોવાપુરના જવાનોને ગુપ્ત સૂત્રો મારફતે બોગસ ચલણી નોટોની તસ્કરી અંગે ઇનપુટ મળ્યા હતા. બાદમાં સમગ્ર વિસ્તારમાં જવાનોને સતર્ક કરવામાં આવ્યા હતા. બપોરે જવાનોને બાંગ્લાદેશ તરફથી તારની વાડ નજીક કેટલીક હલચલ જણાઈ હતી. જેથી જવાનો ત્યાં પહોંચ્યા અને વિસ્તારની ગહન તલાશી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ પેકેટ મળ્યું હતું. તેને ખોલતા અંદરથી બોગસ ચલણી નોટો મળી આવતા જવાનોએ તેને જપ્ત કરી હતી.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે પેકેટમાંથી મળેલા તમામ 399 નોટો બોગસ છે અને બધી જ ₹500ના દરની છે. તેમની કુલ કિંમત રૂ. 1,99,500 થાય છે. આ મામલે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નકલી નોટો બાંગ્લાદેશી તસ્કરો દ્વારા સરહદ પારથી ભારતમાં ફેંકવામાં આવી હતી, જેને ભારતીય તસ્કરો દ્વારા ઉઠાવવાના હતા. જોકે, બીએસએફ જવાનોની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે તસ્કરોની આ કોશિશ નિષ્ફળ રહી હતી.