યુપીના શાહજહાંપુરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં છ વ્યક્તિના મોત
શાહજહાંપુરઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના મદનપુર વિસ્તારમાં મોટરસાઇકલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા છ લોકોના મોત થયા છે. પોલીસ અધિક્ષક (એસપી) રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે મદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરેલી-ઇટાવા રોડ પર કવિલપુર ગામ પાસે એક કાર અને મોટરસાઇકલ સામસામે અથડાઈ હતી.
તેમણે કહ્યું કે ટક્કરને કારણે કાર નિયંત્રણ બહાર ગઈ અને રસ્તાની બાજુમાં ખાડામાં પડી ગઈ હતી. ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, મોટરસાઇકલ પર ચાર યુવાનો સવાર હતા અને ટક્કર એટલી ગંભીર હતી કે મોટરસાઇકલની પેટ્રોલ ટાંકી ફાટવાથી આગ લાગી ગઈ હતી.
તેમણે કહ્યું કે કારમાં સવાર સુધીર (ઉ.વ. 40) અને સોનુ (ઉ.વ. 18)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમના મૃતદેહને ગાડીમાંથી માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ સવાર રવિ (ઉ.વ 20), આકાશ (ઉ.વ 20), દિનેશ (ઉ.વ 19) અને અભિષેક (ઉ.વ 19) ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના મોત થયા હતા.
દ્વિવેદીએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ પર સવાર ચાર યુવાનો તિલહાર શહેરના રહેવાસી હતા અને મદનપુર વિસ્તારના એક ગામમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા, જ્યારે કારમાં મુસાફરી કરી રહેલા લોકો, બરેલીના રહેવાસીઓ, મદનપુર વિસ્તારના ગિરધરપુર ગામમાં લગ્નની શોભાયાત્રામાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.