બસ્તરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ નક્સલવાદીઓ ઠાર મરાયાની આશંકા
બસ્તર : છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં મોનસૂન બ્રેક બાદ સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અભિયાનને ફરી તેજ બનાવી દીધું છે. આજ નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં થયેલી ગોળીબારમાં છ નક્સલીઓના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોતનો આંકમાં વધવાની શકયતા છે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ અથડામણ ચાલી રહી છે.
પોલીસને માહિતી મળી હતી કે નક્સલીઓની મોટી ટીમ અભૂઝમાડના જંગલ વિસ્તારમાં ભેગી થઈ છે અને કોઈ મોટી મિટિંગની તૈયારી ચાલી રહી છે. આ ઇનપુટના આધારે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનોને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. સવારે લગભગ 9 વાગ્યે જવાનો અને નક્સલીઓ વચ્ચે સામસામેનો અથડામણ શરૂ થઈ હતી, ત્યારથી જ બંને તરફથી સતત ગોળીબાર ચાલી રહ્યો છે.
દંતેવાડાના પોલીસ અધીક્ષક ગૌરવ રાયે જણાવ્યું કે, નક્સલીઓની મોટી મિટિંગની માહિતીના આધારે સંયુક્ત ટીમ મોકલવામાં આવી હતી. પોલીસ દળને જોતાં જ નક્સલીઓ જંગલ તરફ ભાગ્યા હતા, પરંતુ થોડા સમય પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. મોટે ભાગે નક્સલીઓને ભારે નુકસાન થયું છે. આથી પહેલાં કોન્ડાગાંવ જિલ્લાના કેશકાલ વિસ્તારમાં આવેલા નાલાઝાર ગામના જંગલોમાં પણ નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં નક્સલીઓ તો ભાગી છૂટ્યા હતા, પરંતુ સર્ચિંગ દરમિયાન સુરક્ષા દળોને નક્સલી સાહિત્ય અને હથિયારો મળ્યા હતા.