દેશમાં ટૂંક સમયમાં તમામ રાજ્યોમાં SIR અભ્યાસ શરૂ થશે
નવી દિલ્હી : દેશમાં ટૂંક સમયમાં તમામ રાજ્યોમાં ખાસ સઘન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) અભ્યાસ હાથ ધરાશે. આ માટે બિહારનું મોડેલ અપનાવવામાં આવશે. બિહારમાં આ અભ્યાસ દરમિયાન લાખો મૃતક અને ગેરકાયદે નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ચૂંટણી આયોગનું માનવું છે કે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારના ડેટાને મતદાન પ્રણાલીએ જોડવાથી આ સમસ્યાનું કાયમી સમાધાન શક્ય બનશે.
ચૂંટણી આયોગ મુજબ, બિહારમાં SIR શરૂ થવા પૂર્વે 7.89 કરોડ મતદારો હતા, જ્યારે 1 ઑગસ્ટે પ્રકાશિત પ્રારંભિક યાદીમાં 7.24 કરોડ મતદારો જ રહ્યાં હતા. એટલે કે આશરે 65 લાખ નામ દૂર કરાયા, જેમાંથી 22 લાખ મૃતકોના નામ સામેલ હતા. મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે મોટા ભાગના મૃતકો તાજેતરમાં મૃત્યુ પામેલા ન હતા, પરંતુ અગાઉ નોંધ ન થતા તેમના નામ યાદીમાં રહી ગયા હતા.
તેમણે જણાવ્યું કે, પહેલા સામાન્ય પુનરીક્ષણ દરમિયાન દરેક ઘરમાં ફોર્મ નથી પહોંચતા. પરિવારજનોએ મૃત્યુની જાણ ન કરતા, બૂથ લેવલ અધિકારી (BLO)ને પણ માહિતી મળતી ન હતી. હવે SIR દરમિયાન પ્રક્રિયા વધુ કડક થશે, જેથી મૃતકો કે સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવામાં વધુ સચોટતા આવશે.
ચૂંટણી આયોગ હવે મૃત્યુ નોંધણીનો ડેટા સીધો રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા (RGI) પાસેથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રાપ્ત કરશે. આથી મતદાર નોંધણી અધિકારીઓને સમયસર માહિતી મળશે અને BLO વાસ્તવિક ચકાસણી કરીને વિગતોની પુષ્ટિ કરી શકશે.
એક અધિકારીએ જણાવ્યું કે લોકોને પોતાના પરિવારમાં થયેલા મૃત્યુ અંગે માહિતી આપવા માટે કોઈ ખાસ પ્રયાસ કરતા નથી. પરંતુ ડેટા લિંકિંગ મજબૂત બનશે ત્યારે મૃતક મતદારોનાં નામો આપોઆપ યાદીમાંથી દૂર થઈ જશે. આ સાથે જ મ્યુનિસિપલ તથા ગ્રામ્ય સંસ્થાઓના ડેટાને પણ જોડવામાં આવશે, જેથી મતદાર યાદી વધુ ત્રુટિ-મુક્ત બની શકે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રક્રિયા મજબૂત બનાવવા ચૂંટણી આયોગે અરુણ પ્રસાદને નવા વધારાના મુખ્ય ચૂંટણી અધિકારી અને હરીશંકર પાણિકરને સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂકો એ સમયે થઈ છે, જ્યારે આયોગ ઓક્ટોબરથી રાજ્યમાં પોતાનું ખાસ સઘન પુનરીક્ષણ કાર્યક્રમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે.
અરુણ પ્રસાદ 2011 બેચના IAS અધિકારી છે અને પશ્ચિમ બંગાળ કેડર સાથે સંબંધિત છે. હરીશંકર પાણિકર 2013 બેચના IAS અધિકારી છે. ચૂંટણી આયોગે ખાલી પડેલા ડેપ્યુટી ચીફ ઇલેકશન ઓફિસરના પદ માટે પણ નવા ઉમેદવારોની સૂચિ માગી છે, જેમાં અનુભવને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આવનારા વર્ષે યોજાનારા વિધાનસભા ચૂંટણીને સરળ અને અસરકારક રીતે પાર પાડવા માટે આ નિમણૂકો અત્યંત જરૂરી હતી.