ભારતીય લોકશાહી માટે SIR એક માઈલસ્ટોન સમાનઃ મુખ્ય ચૂંટણી કમિશનર
લખનૌઃ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે મતદાર યાદી પુનરીક્ષણ અભિયાન (SIR)ને વિશ્વમાં પોતાની જાતનું સૌથી મોટું અભિયાન ગણાવતાં તેને ભારતીય લોકશાહી માટે એક “માઇલસ્ટોન” તરીકે વર્ણવ્યું છે. જ્ઞાનેશ કુમારે આઈઆઈટી-કાનપુરના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપતાં કહ્યું કે બિહારની મતદાર યાદીનું પુનરીક્ષણ અભિયાન દુનિયાનું સૌથી મોટું અભિયાન છે, અને જ્યારે આ પ્રક્રિયા 12 રાજ્યોના કુલ 51 કરોડ મતદારો સુધી પહોંચશે, ત્યારે તે ચૂંટણી આયોગ અને દેશ બંને માટે ઐતિહાસિક સિદ્ધિ સાબિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે આ પ્રક્રિયા સમગ્ર દેશમાં પૂર્ણ થશે, ત્યારે લોકો માત્ર ચૂંટણી પંચ પર જ નહીં પરંતુ ભારતીય લોકશાહીની શક્તિ પર પણ ગર્વ અનુભવશે. આ અભિયાન ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બની રહેશે.” આ પ્રસંગે આઈઆઈટી-કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે જ્ઞાનેશ કુમારને ‘ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમનસ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના વિદ્યાર્થી જીવનને યાદ કરતાં કહ્યું, “આઈઆઈટી-કાનપુરમાં વિતાવેલા મારા ચાર વર્ષ જીવનના સૌથી ઉત્સાહભર્યા અને અવિસ્મરણીય વર્ષ રહ્યા છે.”
જ્ઞાનેશ કુમારે હળવી રીતે ઉમેર્યું કે, “આજે દેશના નોટ અને વોટ બંને આઈઆઈટિયનના હાથમાં છે, કારણ કે રિઝર્વ બેંકના ગવર્નર અને મુખ્ય ચૂંટણી કમિશનર બંને આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.” તેમણે જણાવ્યું કે કાનપુરમાં મળેલા મૂલ્યો અને શિખામણોએ તેમના સમગ્ર પ્રશાસનિક જીવનમાં માર્ગદર્શન આપ્યું છે. જ્ઞાનેશ કુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, બિહાર વિધાનસભા ચૂંટણી પારદર્શિતા, કાર્યક્ષમતા અને સરળતાના નવા ધોરણો સ્થાપિત કરશે.