સિંગતેલના ભાવમાં ફરીવાર થયો ઘટાડો, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ એક સમાન બન્યા
- સિંગતેલમાં પ્રતિ 15 કિલો ડબ્બાના નવા ભાવ રૂપિયા 2310થી 2360 રહ્યા,
- કપાસિયા તેલનો ભાવ રૂપિયા 2275થી 2325 રહ્યો,
- સૌરાષ્ટ્રમાં કપાસિયા કરતા સિંગતેલનો વપરાશ વધુ
રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આ વર્ષે સારા વરસાદને લીધે મગફળી અને તેલીબિયાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થતા અને ચોમાસુ અનુકૂળ રહેવાના અનુમાનને પગલે મબલખ ઉત્પાદન થવાની આશા છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના તેલબજારમાં સિંગતેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
સૌરાષ્ટ્રના તેલબજારમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 30ના ઘટાડા સાથે પ્રતિ 15 કિલો ડબ્બાના નવા ભાવ રૂપિયા 2310થી 2360 રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલમાં પણ રૂપિયા 5નો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને તેનો ભાવ રૂપિયા 2275થી 2325 રહ્યો હતો. પામતેલ રૂપિયા 10 ઘટીને રૂપિયા 2000થી 2005 અને સૂર્યમુખી તેલ રૂપિયા 5 ઘટીને રૂપિયા નવો ભાવ 2010થી 2030 રહ્યા હતા. આમ ખાદ્ય તેલમાં ઘટાડો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવફરક લગભગ એકસમાન થયો છે. અગાઉ આ બંને વચ્ચે રૂપિયા 400થી 500નો તફાવત રહેતો હતો, જે હવે માત્ર રૂપિયા 2ની આસપાસ સીમિત રહી ગયો છે. બ્રાન્ડેડ ડબ્બા પ્રમાણે તો બંનેના ભાવ સરખા જ થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં સિંગતેલનો સૌથી વધુ વપરાશ થાય છે. સિંગતેલ હવે માત્ર ફાફડા-ગાંઠિયા જેવી લાઈવ નાસ્તા વસ્તુઓમાં નહીં, પરંતુ ઘરેલું રસોઈમાં પણ વપરાતું જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલીક ફરસાણ દુકાનોમાં હજુ કપાસિયા તેલનો ઉપયોગ થતો હોય છે, તેમ છતાં લોકોમાં સિંગતેલ પ્રત્યેનો વલણ વધ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.