ગુજરાતમાં માવઠાની આફત સર્જાતા સિંગતેલના ભાવમાં થયો વધારો
- કમોસમી વરસાદને લીધે મગફળીને તૈયાર પાકને નુકસાન થયુ છે,
- સિંગતેલના ભાવમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો,
- મગફળીના પાકની ગુણવત્તા ઘટતા યાર્ડમાં યોગ્ય ભાવો મળતા નથી
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળીના તૈયર થયેલા પાકને નુકસાન થયુ છે. માવઠુ અને વિપરિત હવામાનને લીધે મગફળીની ગુણવત્તા પર અસર પડી છે. યાર્ડમાં ખેડૂતોને મગફળીના પાકના પુરતા ભાવ મળતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે બીજી બાજુ સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઓઈલ મિલરોએ માવઠાના બહાને સિંગતેલમાં ડબ્બાઓ રૂપિયા 15નો વધારો કર્યો છે. નવા ભાવ વધારા સાથે રાજકોટ બજારમાં સિંગતેલના 15કિલોના ડબ્બાનો ભાવ 2380 થી 2430 બોલાયો હતો.
ઓઈલ મિલરો સિંગતેલના ભાવમાં વધારા પાછળ મુખ્યત્વે સતત વરસાદી વાતાવરણને જવાબદાર ગણી રહ્યા છે. ચોમાસાની વિદાય બાદ પણ કેટલાક વિસ્તારોમાં અવારનવાર વરસાદી ઝાપટાં પડવાના કારણે બજારમાં પીલાણ યુક્ત મગફળીની આવક ઘટી છે. વરસાદના કારણે મગફળીની ગુણવત્તા પર પણ અસર થતા, સારી ગુણવત્તાવાળી મગફળીની ઓછી આવક થઈ છે, જેના પરિણામે ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. હાલના ભાવ વધારાને માત્ર અસ્થાયી ગણવામાં આવી રહ્યો છે. ખેડૂતો અને વેપારીઓના મતે, આવનારા દિવસોમાં જો મગફળીની બમ્પર આવક થશે, તો સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. જો બજારમાં પુષ્કળ માત્રામાં અને સારી ગુણવત્તાવાળી મગફળી ઉપલબ્ધ થશે, તો ગ્રાહકોને ફરી એકવાર તેલના સસ્તા ભાવનો લાભ મળી શકે છે.