અમેરિકાના સાઉથ કેરોલિનામાં બારમાં ગોળીબારઃ ચારના મોત, 20 ઘાયલ
અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યમાં ગોળીબારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે સેન્ટ હેલેના ટાપુ પર આવેલા એક બારમાં થયેલા આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક પોલીસએ જણાવ્યું છે. આ ગોળીબાર વિલીઝ બાર એન્ડ ગ્રિલ નામની જગ્યાએ થયો હતો, જ્યાં તે સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અચાનક થયેલા હુમલા પછી આખા બારમાં હાહાકાર મચી ગયો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. શેરીફ ઓફિસે સોશિયલ મીડિયા દ્વારા નિવેદન આપ્યું કે, “આ ઘટના દરેક માટે અત્યંત દુઃખદ છે. અમે તમામને શાંતિ રાખવાની અપીલ કરીએ છીએ, કારણ કે તપાસ ચાલુ છે. અમારા શોક સંદેશા તમામ પીડિતો અને તેમના પરિવારજનો સાથે છે.”
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તમામ ઘાયલને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત અત્યંત ગંભીર છે. હજી સુધી મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે આ ગોળીબારને લઈને તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ અને ઘટનાના કારણોની શોધખોળ માટે સમગ્ર વિસ્તારને કડક સુરક્ષા હેઠળ રાખ્યો છે.