દિલ્હી રેલવે સ્ટેશન ઉપર દોડધામની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, 13 હજાર જનરલ ટિકિટનું વેચાણ થયું હતું
નવી દિલ્હીઃ મહાકુંભ દરમિયાન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં માહિતી આપવામાં આવી હતી. રેલ્વે મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર દૈનિક સરેરાશ કરતાં 13,000 વધુ જનરલ ટિકિટ વેચાઈ હતી. આ દિવસે સ્ટેશન પર ભાગદોડને કારણે 18 લોકોના મોત થયા હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટીએમસી સાંસદ માલા રોય દ્વારા આ સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, '15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી લગભગ 49 હજાર જનરલ ટિકિટ જારી કરવામાં આવી હતી, જે છેલ્લા છ મહિના દરમિયાન વેચાયેલી દૈનિક સરેરાશ ટિકિટ કરતાં 13000 વધુ હતી.' જોકે, મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે આ વધારાની માંગને પહોંચી વળવા માટે, NSLS તરફથી પાંચ કુંભ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં પ્રત્યેકમાં 3,000 મુસાફરોની બેઠક ક્ષમતા હતી.
તેમણે એમ પણ કહ્યું કે કોઈ ચોક્કસ દિવસે સ્ટેશન પરથી જારી કરાયેલી અનરિઝર્વ ટિકિટ તે સ્ટેશન અને તારીખ માટે હોઈ શકે છે અને ન પણ હોઈ શકે. હકીકતમાં, મુસાફરો મુસાફરીની તારીખ પહેલા ટિકિટ ખરીદવાનો ટ્રેન્ડ ધરાવે છે.
રેલ્વે મંત્રીએ કહ્યું કે આ ટિકિટો ફક્ત સ્ટેશન કાઉન્ટર પરથી જ વેચાય તે જરૂરી નથી. તેમણે કહ્યું કે વિવિધ ટિકિટ કાઉન્ટર દ્વારા બિનઅનામત ટિકિટો ખરીદી શકાય છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, '199 કિમી સુધીના અંતર માટે અનરિઝર્વ્ડ ટિકિટો તે જ દિવસે ખરીદી શકાય છે, જ્યારે 200 કિમી અને તેથી વધુ અંતર માટે, અનરિઝર્વ્ડ ટિકિટો ખરીદવા માટે એડવાન્સ સમયગાળો ત્રણ દિવસનો છે.' વધુમાં, રેલ્વે સ્ટેશનોના સમૂહમાં કોઈપણ એક સ્ટેશનથી બીજા કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે અનરિઝર્વ્ડ ટિકિટ જારી કરી શકાય છે, એટલે કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી, દિલ્હી વિસ્તારના 57 સ્ટેશનોમાંથી કોઈપણ સ્ટેશનથી શરૂ થતી મુસાફરી માટે અનરિઝર્વ્ડ ટિકિટ જારી કરી શકાય છે.