મુંબઈમાં બસ અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો, ડ્રાઈવરને બસ હંકારવાનો અનુભવ જ ન હતો
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બેસ્ટની બસે સર્જેલા અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બસના ડ્રાઈવરની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 1લી ડિસેમ્બરના રોજ જ નિમણુક કરવામાં આવી હતી. એટલું જ નહીં અગાઉ તેને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસની તપાસમાં હજુ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
મુંબઈના કુર્લા વેસ્ટર્ન રેલવે સ્ટેશનના આંબેડકર નગરમાં રાત્રે બેસ્ટ બસનો ભયંકર અકસ્માત થયો હતો. બસે રસ્તા પર ચાલતા ડઝનબંધ લોકો અને વાહનોને કચડી નાખ્યા હતા. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કુલ 49 લોકો ઘાયલ થયા છે જેમાંથી 7ના મોત થયા છે. પોલીસે આ કેસમાં આરોપી ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં લગભગ 60 મુસાફરો હતા. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી અને એક MSF (મહારાષ્ટ્ર સુરક્ષા દળ)નો જવાન પણ ઘાયલ થયા છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રશાંત ચવ્હાણને પણ ઈજા થઈ હતી, જ્યારે 20-25 વાહનોને નુકસાન થયું હતું.
મળતી માહિતી મુજબ, આરોપી ડ્રાઈવર સંજય મોરે (54 વર્ષ)ની નિમણૂક ગત 1 ડિસેમ્બરે જ થઈ હતી. ડ્રાઈવરને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. આરોપી ડ્રાઈવરને બસ ચલાવવાનો અગાઉ કોઈ અનુભવ નહોતો. બસ રાત્રે લગભગ 21:45 વાગ્યે કુર્લા રેલવે સ્ટેશન (વેસ્ટ)થી સાકીનાકા જઈ રહી હતી. આ દરમિયાન બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે સ્પીડ વધી ગઈ હતી અને આ દુઃખદ ઘટના બની હતી.
ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને નજીકની ભાભા હોસ્પિટલમાં લઈ જવાનું શરૂ કર્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોની સારવાર ભાભા હોસ્પિટલ, કોહિનૂર હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ, સિટી હોસ્પિટલ અને હબીબ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બાદ ધારાસભ્ય મહેશ કુડાલકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.