અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, એન્જિનોને ઈંધણ સપ્લાઈ ન થતા દૂર્ઘટના સર્જાઈ
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. જેમાં 12મી જૂને થયેલા વિમાન દુર્ઘટનાનું કારણ બહાર આવ્યું છે. આ લગભગ 15 પાનાનો રિપોર્ટ છે. જેમાં વિમાન દુર્ઘટના સાથે સંબંધિત બધાયે એન્ગલ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે AAIB રિપોર્ટ શું કહે છે?
અમદાવાદમાં 12મી જૂન 2025 ને મંગળવારે થયેલા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ મોડી રાત્રે રિપોર્ટ બહાર પાડ્યો. જેમાં એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ક્રેશનું કારણ જાહેર કરવામાં આવ્યું. એર ઇન્ડિયા એરલાઇન્સે આજે 12મી જુલાઈ 2025એ વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ પ્રાપ્ત કરવાની પુષ્ટિ કરી અને વધુ તપાસમાં AAIBને સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.
AAIBના પ્રારંભિક તપાસ રિપોર્ટમાં દુર્ઘટનાનું કારણ એન્જિનોને ઈંધણ સપ્લાઈ ન થતી હોવાનું દર્શાવવામાં આવ્યું. કોકપીટ વોઇસ રેકોર્ડરમાંથી મળેલા ડેટા દર્શાવે છે કે ટેકઓફ પછી વિમાન 180 નોટની મેક્સિમમ સ્પીડએ પહોંચતાની સાથે જ બંને એન્જિનોને ઈંધણ પૂરું પાડતી સ્વિચો રનિંગ મોડથી કટઓફ મોડમાં ગઈ. બંને સ્વિચો 1 સેકન્ડના અંતરાલથી કટઓફ થઈ. જેનાથી એન્જિનોને ઈંધણની સપ્લાઈ બંધ થઈ ગઈ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પ્લેનની સ્પીડ ધીમી થવા લાગી, ત્યારે એક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે તમે ઑઇલ સપ્લાઇ સ્વિચ કટઑફ કેમ કરી? પાયલોટે જવાબ આપ્યો કે તેણે આવું નથી કર્યું. પાયલોટે તરત જ સ્વિચ ઑન કરી. એક એન્જિનમાં થ્રસ્ટ ઠીક થઈ ગયો, પરંતુ બીજું એન્જિન એક્ટિવ ન થયું. જ્યારે પ્લેનની સ્પીડ ધીમી થવા લાગી અને તે નીચે જવા લાગ્યું, ત્યારે પાયલોટે મેડેનો સંદેશ આપ્યો.
AAIBના પ્રારંભિક તપાસ રિપોર્ટમાં જણાવાયું છે કે મેડે કોલ મળતાની સાથે જ ATCએ ઇમરજન્સીની ઘોષણા કરી દીધી. દુર્ઘટનાસ્થળની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી ડ્રોન થકી કરવામાં આવી. ક્રેશ થયેલા પ્લેનના કાટમાળની ફોરેન્સિક લેબમાં તપાસ કરવામાં આવી. કાટમાળ અમદાવાદ એરપોર્ટ પર જ સુરક્ષિત રાખવામાં આવ્યો. વિમાનના બંને એન્જિન કાટમાળમાંથી મળી આવ્યા, જે એરપોર્ટના હેંગરમાં અલગથી રાખવામાં આવ્યા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે વિમાન દુર્ઘટનાની વધુ તપાસ માટે પુરાવા ઓળખી કાઢવામાં આવ્યા છે અને એકત્રિત કરવામાં આવ્યા છે. વિમાનને રિફ્યુઅલ કરવા માટે ઉપયોગમાં લેવાતા બોવર્સ અને ટેન્કમાંથી લેવામાં આવેલા ઇંધણનું સેમ્પલ ટેસ્ટિગ DGCAની લેબમાં કરવામાં આવ્યું હતું. APU ફિલ્ટર અને ડાબી પાંખના રિફ્યુઅલ/જેટસન વાલ્વમાંથી ઇંધણના સેમ્પલ ખૂબ જ ઓછી માત્રામાં મળી આવ્યા. સાક્ષીઓ અને બચી ગયેલા મુસાફરોના નિવેદનો પણ નોંધાયા હતા.
જણાવી દઈએ કે 12મી જૂને એર ઈન્ડિયા એરલાઈન્સની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ AI-171એ અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી. બોઈંગ ડ્રીમલાઈનર 787-8 મોડેલનું વિમાન હતું, જે 241 લોકો સાથે ઉડાન ભરી હતી, પરંતુ ઉડાન ભરતાની સાથે જ તે એરપોર્ટ બોર્ડરને અડીને આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 229 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર્સ અને 19 સામાન્ય લોકોએ પ્રાણ ગુમાવ્યા. મૃતકોમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ પણ હતા. આ દુર્ઘટનાની તપાસ AAIB તરફથી કરવામાં આવી અને દુર્ઘટનાના બરાબર એક મહિના પછી આજે એટલે કે 12મી જુલાઈએ પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કરાયો.