આઈપીએલમાં એમએસ ધોની કેમ નીચલા ક્રમે બેટીંગ માટે આવે છે તેને લઈને ચોંકાવનારો ખુલાસો
ભારતમાં હાલ ક્રિકેટ પ્રેમીઓમાં આઈપીએલનો માહોલ જામ્યો છે ત્યારે આઈપીએલમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર ધોની અને વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોના પ્રર્દશન જોવા માટે ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે એમએસ ધોની જ્યારે બેટીંગ કરવા આવે છે ત્યારે સ્ટેડિયમમાં ધોનીના નામની બુમો પડે છે એટલું જ નહીં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ધોનીને સ્ટેડિયમમાં જોઈને જ ઉત્સાહિત થઈ જાય છે. જો કે, ધોનીના પ્રદર્શનને લઈને કેટલાક ક્રિકેટ ચાલકો સવાલ ઉઠાવી રહ્યાં છે. ત્યારે ધોની ઘૂંટણની ઈજાથી હજુ સંપૂર્ણ રીતે ફીટ નહીં હોવાનું અને 10 ઓવર સુધી સતત બેટીંગ કરવી તેના માટે મુશ્કેલ હોવાનું ચર્ચાય રહ્યું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સિઝનનો રોમાંચ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન એક બાબત જે સૌથી વધુ ટ્રેન્ડમાં અને ચર્ચામાં રહી તે છે મહેન્દ્ર સિંહ ધોનીનો બેટિંગ ઓર્ડર. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમને પાંચ વખત ટાઈટલ જીત અપાવનાર પૂર્વ કેપ્ટન ધોની આ સિઝનમાં નીચલા ક્રમમાં બેટિંગ કરવા માટે આવી રહ્યો છે. ક્યારેક તે 8મા નંબરે બેટિંગ કરે છે તો ક્યારેક 9મા નંબર પર બેટિંગ માટે ઉતરે છે. તેનું પરિણામ તેની ટીમે ભોગવવું પડી રહ્યું છે. ચેન્નાઈની ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે, જેમાંથી તેણે માત્ર એક જ મેચ જીતી છે. બે મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. ધોનીએ આ ત્રણેય મેચમાં 46 રન બનાવ્યા છે. તેમાં અણનમ 30 રન તેનું બેસ્ટ પ્રદર્શન રહ્યું છે. આ તમામ વચ્ચે ચાહકો એ જાણવા માટે ઉત્સુક હશે કે ધોની આટલા નીચા સ્તરે બેટિંગ કરવા કેમ આવી રહ્યો છે? હવે આનો જવાબ ચેન્નાઈ ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે આપ્યો છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ફ્લેમિંગે કહ્યું કે, 'ધોની હાલમાં ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેની ઈજા સંપૂર્ણપણે મટી નથી. આ જ કારણ છે કે ધોની માટે 10 ઓવર સુધી બેટિંગ કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ધોની ઓવરો પ્રમાણે બેટિંગ કરવા આવે છે.'
ચેન્નાઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) સામે છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. RCB સામેની મેચમાં ધોની 9મા નંબરે અને રાજસ્થાન સામે 7મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવી ન શક્યો. ચેન્નાઈને રાજસ્થાન સામે સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ કોચ ફ્લેમિંગે એ હકીકતને સંપૂર્ણપણે નકારી કાઢી છે કે ધોની ટીમ પર બોજ બની ગયો છે. તેણે કહ્યું કે ધોની ફ્રેન્ચાઈઝીનો સૌથી મૂલ્યવાન ખેલાડી છે.