NCRBનો ચોંકાવનારો અહેવાલ : 2023માં 10 હજારથી વધુ ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી
નવી દિલ્હીઃ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)એ ખેડૂતોની આત્મહત્યાને લઈને એક ચોંકાવનારી રિપોર્ટ જાહેર કરી છે. અહેવાલ મુજબ, વર્ષ 2023 દરમિયાન કૃષિ સાથે સંકળાયેલા 10 હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. આમાં ખેડૂતો તેમજ કૃષિ મજૂરો બંનેનો સમાવેશ થાય છે. આત્મહત્યાના સૌથી વધુ કિસ્સા મહારાષ્ટ્ર (38.5%) અને કર્ણાટક (22.5%)માં નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગોવા જેવા કેટલાક રાજ્યોમાં એકપણ આત્મહત્યાનો કેસ નોંધાયો નથી.
NCRBના આંકડા અનુસાર, 2023માં દેશભરમાં કુલ 1 લાખ 70 હજારથી વધુ આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે. તેમાં ખેડૂતો, કૃષિમજૂરો ઉપરાંત બેરોજગાર યુવાનો અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. માત્ર ખેડૂતો અને મજૂરોની વાત કરીએ તો 10,700થી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 4,690 ખેડૂતો અને 6,096 કૃષિમજૂરો સામેલ છે. આત્મહત્યા કરનારામાં પુરુષો સાથે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ખેડૂતોની આત્મહત્યાના સૌથી વધુ કિસ્સા મહારાષ્ટ્ર (38.5%), કર્ણાટક (22.5%), આંધ્ર પ્રદેશ (8.6%), મધ્ય પ્રદેશ (7.2%) અને તમિલનાડુ (5.9%)માં નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, ચંદીગઢ, દિલ્હી અને લક્ષદ્વીપ જેવા રાજ્યોમાં 2023માં એકપણ ખેડૂતની આત્મહત્યા નોંધાઈ નથી.
રિપોર્ટમાં ખુલ્યું કે આત્મહત્યા કરનારાઓમાં મોટા ભાગના લોકોની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા કરતાં ઓછી હતી. એટલે કે આર્થિક તંગી આત્મહત્યાનું મુખ્ય કારણ રહ્યું છે. સાથે જ બેરોજગારીને કારણે અનેક યુવાનોએ આત્મહત્યા કરી. આવા કિસ્સા સૌથી વધુ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં સામે આવ્યા છે.