સૈફ અલી ખાન ઉપર હુમલાના કેસમાં ઝડપાયેલા મોહમ્મદ શહજાદના પિતાનો ચોંકાવનારો દાવો
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા મોહમ્મદ શહજાદના પિતાએ એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સૈફના ઘરેથી મળેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ તેમનો પુત્ર નથી. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરના હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદના પિતા મોહમ્મદ રુહુલ અમીન ફકીરે ગુરુવારે IANS સાથે ખાસ વાત કરી. તેમણે પોતાના પુત્રનો બચાવ કર્યો અને ભારપૂર્વક કહ્યું કે તેમના પુત્રને આ ઘટનામાં ફસાવવામાં આવ્યો છે.
મોહમ્મદ રુહુલ અમીન ફકીરે દાવો કર્યો હતો કે સીસીટીવી ફૂટેજમાં દેખાતા લાંબા વાળવાળા શંકાસ્પદ વ્યક્તિના ફોટા તેમના પુત્ર સાથે મેળ ખાતા નથી. ફકીરે કહ્યું કે, "સીસીટીવીમાં એક માણસ લાંબા વાળવાળો દેખાય છે. મારો દીકરો ક્યારેય લાંબા વાળ રાખતો નથી અને મને લાગે છે કે મારા દીકરાને ફસાવવામાં આવી રહ્યો છે," તેમણે કહ્યું કે શરીફુલ બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિને કારણે ભારત આવ્યો હતો.
IANSના એક પ્રશ્નના જવાબમાં, પિતાએ કહ્યું, "તે બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યો અને તેનું એક કારણ બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ હતી. તે ભારતમાં કામ કરતો હતો, જ્યાં તેને પગાર મળતો હતો. ફકીરે કહ્યું, "મુંબઈની હોટલોમાં મળતો પગાર પશ્ચિમ બંગાળ કરતા વધારે હોય છે. ત્યાંની હોટલો ઘણી મોટી છે અને પગાર પણ વધારે છે." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો, ત્યારે પિતાએ કહ્યું, "ના, આવું કંઈ બન્યું નથી. હજુ સુધી કોઈએ મારો સંપર્ક કર્યો નથી. અમે ભારતમાં કોઈને ઓળખતા નથી અને ભારતમાં અમારી પાસે કોઈ સપોર્ટ નથી."
પોતાના દીકરા સાથેની છેલ્લી વાતચીતને યાદ કરતાં ફકીરે કહ્યું, "મારા દીકરા સાથે મારી છેલ્લી વાતચીત શુક્રવારે સાંજે થઈ હતી. દર મહિને તેને 10મી તારીખ પછી તેનો પગાર મળતો અને તે પછી તે મારી સાથે વાત કરતો."