શિવાજી મહારાજે હિન્દુસ્તાનની પ્રજાને સ્વરાજનું સ્વપ્ન આપીને તેને સફળ કર્યું હતું: અમિત શાહ
મુંબઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી અને છત્રપતિ શિવાજી મહારાજને તેમની 345મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુલાકાત શિવાજી મહારાજની સમાધિના નવીનીકરણની 100મી વર્ષગાંઠ નિમિત્તે થઈ હતી. અમિત શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે ભાજપના નેતા ઉદયનરાજે ભોંસલેએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. છત્રપતિ શિવાજી મહારાજનું મૃત્યુ એપ્રિલ 1680માં રાયગઢ કિલ્લામાં થયું હતું.
રાયગઢમાં છત્રપતિ શિવાજી સમાધિ સ્થળે કાર્યક્રમને સંબોધતાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં સ્વધર્મ માટે, ભાષા માટે સ્વરાજ માટે ખુવાર થવાની જિજીવિષા ઊભી કરનારને વંદન કરુ છું. શિવાજી મહારાજે હિન્દુસ્તાનની પ્રજાને સ્વરાજનું સ્વપ્ન આપીને તેને સફળ કર્યું હતું. તેમની દ્રઢ ઇચ્છા શક્તિ, અદમ્ય સાહસ, અકલ્પનીય રણનીતિ, અને તેને પરિપૂર્ણ કરવા માટે સમાજને જોડીને સેનાનું નિર્માણ કરવાનું કાર્ય છત્રપતિ શિવાજી મહારાજે કર્યું હતું. મહારાષ્ટ્રના રાજકારણમાં શિવાજી મહારાજ અને ઔરંગઝેબના વારસાને લઈને ચર્ચા ચાલી રહી છે. તેઓ 'મહાયુતિ' ગઠબંધનના અનેક વરિષ્ઠ નેતાઓને મળશે અને રાયગઢ અને નાસિકના વાલી મંત્રીઓની નિમણૂક અંગે ચર્ચા કરશે.