પંજાબમાં શિવસેના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ, એક બાળક ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ પંજાબના મોગામાં રાત્રે શિવસેના બાળા સાહેબ ઠાકરે જિલ્લા પ્રમુખ મંગત રાય મંગાની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. મંગત રાય રાત્રે મોગામાં ગિલ પેલેસ પાસેની એક ડેરીમાં દૂધ ખરીદવા આવ્યા હતા. આ દરમિયાન ત્રણ શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં એક બાળકને ઈજા થઈ હતી.
શિવસેનાના નેતા ઉપર અજાણ્યા શખ્સોએ કરેલી ગોળીબારમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃતજાહેર કર્યાં હતા. જ્યારે 11 વર્ષનો બાળક થોમસ મોગા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ બનાવને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તેમજ ગુનેગારોને ઝડપી લઈને આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. બીજી તરફ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી.