અલંગ યાર્ડમાં ભંગાવવા આવતા જહાજોને હવે ચાર્ટર્ડ એન્જીનિયર સર્ટિફિકેટમાંથી મુક્તિ
- હવે કસ્ટમ્સને બાંહેધરી પત્ર જ આપવુ પડશે,
- રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજુઆત બાદ નિર્ણય લેવાયો,
- કસ્ટમ અધિકારીઓની વધુ પડતી માથાકૂટને લીધે મુશ્કેલી પડતી હતી
ભાવનગરઃ જિલ્લાનો એર માત્ર રોજગારી આપતો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઘણ સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાં સરકારના છાશવારે બદલાતા નિયમોને લીધે જહાંજની સંખ્યામાં ઘટાડો થયો હતો. અલંગ શિપ બ્રેકિંગ સાથે શિપ રીસાયકલિંગ ઉદ્યોગ પણ સંકળાયેલો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા ભંગાણાર્થે આવતા જહાજોમાં ચાર્ટર્ડ એન્જીનિયર સર્ટિફિકેટ માંગવામાં આવતુ હતુ, અને તેના કારણે મુશ્કેલીઓ ઉભી થઇ રહી હતી. શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા તથ્યો સાથે ઉઠાવવામાં આવેલા વિરોધ બાદ મુંબઇ કસ્ટમ્સ વિભાગ દ્વારા અલંગમાં આવતા જહાજોમાંથી આ નિયમને મુક્તિ આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં નેશનલ એસેસમેન્ટ સેન્ટર (NAC) દ્વારા કન્વીનરની અધ્યક્ષતામાં આયોજિત ક્ષેત્રિય સંગઠનો, વેપાર સભ્યો અને હિસ્સેદારો સાથે યોજાયેલા આઉટરીચ કાર્યક્રમ દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને શિપ રીસાયકલિંગ સંબંધિત સમસ્યામાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડિયા)ના મતે અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ખાતે આયાત કરાયેલા જહાજોના રિસાયક્લિંગ માટે મૂલ્યાંકન દરમિયાન કેટલાક ફેસલેસ એસેસમેન્ટ ગ્રુપ (FAG) દ્વારા ચાર્ટર્ડ એન્જિનિયર્સ (CE) પ્રમાણપત્ર માંગવામાં આવે છે. તથ્યો સાથે એસોસિએશન દ્વારા તેના માટે મુક્તિ માંગી હતી. આ સંદર્ભમાં, NAC સભ્યો પાસેથી મેળવેલા મંતવ્યો, ટિપ્પણીઓ પર ચર્ચા કર્યા પછી, કસ્ટમ્સ વિભાગ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે FAG દ્વારા ભંગાણ માટે આયાત કરાયેલા જહાજોના મૂલ્યાંકન માટે નિયમિત મૂલ્યાંકન અભ્યાસક્રમમાં CE પ્રમાણપત્રનો આગ્રહ રાખવો જોઈએ નહીં. જો કે, CE ની સેવાઓ મૂલ્યાંકન વગેરે સંબંધિત ચોક્કસ ઇનપુટ ધરાવતા કેસોમાં અથવા અન્ય કોઈ ચોક્કસ કારણોસર, સંબંધિત કસ્ટમ્સ કમિશનરની પૂર્વ મંજૂરી સાથે લઇ શકાય છે.
અલંગમાં ભંગાણ માટે આયાત કરાયેલા જહાજો માટે બોન્ડ (બાંહેધરી) આપવામાંથી મુક્તિ આપવાની એસોસિએશનની માંગ સ્વીકારવામાં આવી નથી. SRIAએ ભંગાણ માટે આયાત કરાયેલા જહાજો માટે એન્ડ યુઝ બોન્ડમાંથી મુક્તિ પણ માંગી હતી. આ સંદર્ભમાં, ફેસલેસ એસેસમેન્ટ ગ્રુપ અને SRIA પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા પછી, એ વાત પર કસ્ટમ્સ વિભાગ દ્વારા સંમતિ વ્યક્ત કરવામાં આવી છે કે આયાતકાર દ્વારા જહાજના અંતિમ ઉપયોગ ભંગાણાર્થે કરવાના સંદર્ભમાં બોન્ડ પ્રદાન કરવાનું ચાલુ રાખવામાં આવશે. સંબંધિત કસ્ટમ્સ ઓથોરિટી બોન્ડ શરતોનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરશે અને બોન્ડ શરતોથી વિચલનના કિસ્સામાં જરૂરી પગલાં લેશે. વધુમાં સલાહ આપવામાં આવી છે કે, બોન્ડના ઇલેક્ટ્રોનિક સબમિશન માટે નવા રજૂ કરાયેલા ડિજિટલ પ્લેટફોર્મ "એકલ અનુબંધ" નો ઉપયોગ આ હેતુ માટે હંમેશા થવો જોઈએ.