ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વામાં શિયા-સુન્ની સંઘર્ષમાં 37 લોકોના મોત
પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં તાજી સાંપ્રદાયિક હિંસામાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા છે અને 103 ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ તાજેતરની હિંસા શિયા મિલિશિયા જૂથો દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલાનું પરિણામ છે. કારણ કે... અજાણ્યા બંદૂકધારીઓએ પેસેન્જર વાનના કાફલા પર હુમલો કરતાં 47 શિયા મુસ્લિમો માર્યા ગયા હતા. તો 23 નવેમ્બરની સવારે કુર્રમ જિલ્લામાં તાજી સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં હથિયારો સાથે બંદૂકધારીઓએ નજીકના ગામોને નિશાન બનાવ્યા હતા.
કોહાટ જિલ્લામાંથી થલ-સદા-પારાચિનાર હાઈવે બંધ
ગામડાઓ કાટમાળમાં પરિણમ્યા હતા, ઘરો, બજારો અને સરકારી ઈમારતોને આગ લગાડવામાં આવી હતી. હત્યાકાંડના એક પ્રત્યક્ષદર્શીએ પુષ્ટિ કરી કે તેણે ઓછામાં ઓછા છ હુમલાખોરોના સળગેલા મૃતદેહો પણ જોયા હતા. હુમલાખોરોએ મહિલાઓનું પણ અપહરણ કર્યું છે અને જિલ્લામાં શિયા અને સુન્ની બંને સંપ્રદાયોના આદિવાસી વડીલોએ હુમલાને વધુ તીવ્ર બનાવવા માટે સંદેશા મોકલ્યા છે. કુર્રમ જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ અલગ-અલગ સ્થળોએથી હજુ પણ અથડામણની જાણ થઈ રહી છે, જ્યારે કોહાટ જિલ્લામાંથી થલ-સદા-પારાચિનાર હાઈવે બંધ છે.
કુર્રમ જિલ્લામાં સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે
ખૈબર પખ્તુનખ્વાની પ્રાંતીય સરકારનું એક પ્રતિનિધિમંડળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા પેશાવરથી કુર્રમ જિલ્લા આવ્યું હતું. હેલિકોપ્ટરમાં ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિરીક્ષકનું એક સરકારી પ્રતિનિધિમંડળ હતું. પ્રતિનિધિમંડળ કુર્રમ જિલ્લામાં સ્થાનિક વહીવટીતંત્રને મળ્યું હતું, પરંતુ પરત ફરતી વખતે હેલિકોપ્ટર ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે, હેલિકોપ્ટર પેશાવરમાં સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યું હતું. કુર્રમ જિલ્લામાં સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. છેલ્લા 48 કલાકમાં સુન્ની અને શિયા સાંપ્રદાયિક અથડામણમાં લગભગ 100 લોકો માર્યા ગયા છે અને 200 લોકો ઘાયલ થયા છે.
પથ્થરો અને ટાયર સળગાવીને રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા
કુર્રમ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસાનો ઈતિહાસ છે. પ્રાંતીય ગવર્નર ફૈઝલ કરીમ કુંડીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં અલગ-અલગ ઘટનાઓમાં બંને સંપ્રદાયોના ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હતા. તો 22 નવેમ્બરના રોજ શિયા પ્રભુત્વ ધરાવતા પારાચિનાર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ વાહનો અને સુરક્ષા ચોકીઓને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમજ પથ્થરો અને ટાયર સળગાવીને રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. પારાચિનાર અગાઉ સુન્ની પ્રભુત્વ ધરાવતા વિસ્તારો સાથે હિંસક અથડામણનો શિકાર બન્યું છે.
માનવાધિકાર સંસ્થાઓ અને સંયુક્ત રાષ્ટ્રની મદદ લેવાની ફરજ પડશે
શિયા સંગઠન અને રાજકીય પક્ષ માજીસ વહદત મુસ્લિમીન (MWM) એ સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ મૂકી છે, જેમાં અસુરક્ષિત રસ્તાઓના કારણે પારાચિનાર એરપોર્ટને કાર્યરત કરવું અને PIA અથવા એરફોર્સના વિમાનો દ્વારા પારાચિનાર અને પેશાવર વચ્ચે મફત શટલ સેવા શરૂ કરવાનો સમાવેશ થાય છે. સ્થાનિક વિરોધીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને પ્રાંતીય અને કેન્દ્ર સરકારો દ્વારા અવગણવામાં આવશે તો તેઓ માનવાધિકાર સંસ્થાઓ અને સંયુક્ત રાષ્ટ્રની મદદ લેવાની ફરજ પડશે.