શશી થરૂરે વીર સાવરકર પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઈનકારઃ જાણો આયોજકોએ શું કહ્યું?
નવી દિલ્હી, 10 ડિસેમ્બર, 2025: Veer Savarkar Award કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વીર સાવરકર એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે પોતે આ માટે યોજાઈ રહેલા કાર્યક્રમમાં હાજરી પણ આપવાના નથી. જોકે બીજી તરફ આયોજકો થરૂરના દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું કે, શશી થરૂરને રૂબરૂ મળીને આ વિશે જાણકારી આપવામાં આવી હતી.
શશી થરૂરના દાવા મુજબ, તેમની જાણ વિના જ એવોર્ડ સમારંભના આયોજકોએ મારા નામની જાહેરાત કરી દીધી છે. અને આ વિશે અગાઉથી પૂછવામાં કે જાણ કરવામાં આવી નથી તેમ કોંગ્રેસ સાંસદે કહ્યું હતું.
આયોજકોની ટીકા કરતા થરૂરે કહ્યું કે, મને પૂછ્યા વિના, મને યોગ્ય રીતે જાણ કર્યા વિના મારા નામની જાહેરાત કરી દેવી એ યોગ્ય નથી. હું આ પુરસ્કાર સમારંભના આયોજકોને જાણતો પણ નથી.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે, પોતે ગઈકાલે 9 ડિસેમ્બરને મંગળવારે કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા તિરુવનંતપુરમ ગયો ત્યારે પત્રકારોએ મને આ વિશે પૂછ્યું હતું. અને મને એ સમયે જ ખબર પડી કે કોઈ સંસ્થાએ વીર સાવરકર પુરસ્કાર માટે મારા નામની જાહેરાત કરી છે.
X પર એક પોસ્ટ કરીને કોંગ્રેસના સાંસદે કહ્યું, "મને મીડિયા રિપોર્ટ્સમાંથી જાણવા મળ્યું છે કે મને 'વીર સાવરકર એવોર્ડ' માટે મારું નામ આપવામાં આવ્યું છે, જે આજે 10 ડિસેમ્બરે દિલ્હીમાં એનાયત થવાનો છે. મને આ જાહેરાત ગઈકાલે કેરળમાં જ ખબર પડી, જ્યાં હું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા ગયો હતો."
"તિરુવનંતપુરમમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા, મેં સ્પષ્ટતા કરી હતી કે મને આવા એવોર્ડ વિશે ખબર નહોતી એટલું જ નહીં પરંતુ તેનો સ્વીકાર્યો નથી, અને મારા નામની જાહેરાત કરવી આયોજકો તરફથી બેજવાબદારીભર્યું હતું, કારણ કે હું તે સ્વીકારવા માટે સંમત નથી," તેમ તેમણે કહ્યું.
"તેમ છતાં આજે દિલ્હીમાં કેટલાક મીડિયાએ પણ એ જ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખે છે. તેથી, હું આ બાબતને સ્પષ્ટ કરવા માટે આ નિવેદન જારી કરી રહ્યો છું," થરૂરે ઉમેર્યું.
થરૂરે કહ્યું કે એવોર્ડની પ્રકૃતિ, તે એનાયત કરતી સંસ્થા અથવા અન્ય કોઈ સંદર્ભિત વિગતો વિશે સ્પષ્ટતા ન હોવાને કારણે આજે કાર્યક્રમમાં હાજરી આપવાનો કે એવોર્ડ સ્વીકારવાનો પ્રશ્ન ઊભો થતો નથી.
જોકે બીજી તરફ આયોજકો થરૂરના દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું કે, શશી થરૂરને રૂબરૂ મળીને આ વિશે જાણકારી આપવામાં આવી હતી. થરૂરના નિવેદન બાદ એવોર્ડ આપી રહેલા હાઇરેન્જ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (HRDS) ઇન્ડિયાના સેક્રેટરી અજી કૃષ્ણને એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદને આ બાબતની જાણ પહેલાથી જ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે HRDS ઇન્ડિયાના પ્રતિનિધિઓ અને એવોર્ડ જ્યુરીના ચેરમેન થરૂરને આમંત્રણ આપવા માટે તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને સાંસદે એવોર્ડ મેળવનારા અન્ય વિજેતાઓની યાદી માંગી હતી.
"અમે તેમને યાદી આપી હતી. તેમણે હજુ સુધી અમને જણાવ્યું નથી કે તેઓ આ કાર્યક્રમમાં નહીં આવે. કદાચ તેઓ ડરી ગયા છે કારણ કે કોંગ્રેસે તેને મુદ્દો બનાવ્યો છે," તેમ સમાચાર એજન્સી PTI એ કૃષ્ણનને ટાંકીને જણાવ્યું હતું.
બુધવારે નવી દિલ્હીમાં HRDS ઇન્ડિયા દ્વારા સ્થાપિત વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025 પ્રાપ્તકર્તાઓમાંના એક તરીકે થરૂરને પસંદ કરવામાં આવ્યા હતા.