સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ધનતેરસની ખરીદી પર અસર પડશે
- ઘણા લોકો મૂહુર્ત સાચવવા નામનું જ સોનું ખરીદશે,
- કેટલાક જવેલર્સએ ગ્રાહકોને આકર્ષવા 9 કેરેટના દાગીના બનાવ્યા,
- અક્ષય તૃતીયાના દિવસે પણ સોના ચાંદીની ખરીદી જરૂરિયાત મુજબ થઈ હતી,
અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં અસામાન્ય વધારો થતાં હવે સોના-ચાંદીના દાગીના ખરીદવા મોંઘા પડી રહ્યા છે. દિવાળીના તહેવારો ટાણે જ સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ગઈકાલે સોનામાં રૂ 1000 વધ્યા હતા.જેને પરિણામે તેજીનો માહોલ છવાયો છે. અક્ષય તૃતીયાના દિવસે પણ સોના ચાંદીની ખરીદી જરૂરિયાત મુજબ થઈ હતી. ઊંચા ભાવ અને ચાંદીની અછતના કારણે લોકો અને વેપારીઓ મૂંઝવણમાં મૂકાયા છે. ધન તેરસના દિને લોકો સોના-ચાંદીના સિક્કાની કે દાગીનાની ખરીદી કરતા હોય છે. ત્યારે આ વખતે સોના-ચાંદીના અસહ્ય ભાવને લીધે લોકોની ખરીદી પર અસર પડશે. એવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં જવેલર્સ દ્વારા દિવાળીના તહેવારોમાં ગ્રાહકોને આકર્ષવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોનાના દાગીના ખરીદવામાં સૌથી મોટો ગ્રાહક વર્ગ મધ્યમ વર્ગ છે. પણ સોનાના તોતિંગ ભાવ પરવડી શકે તેમ નથી. કેટલાક જવેલર્સએ સોનાના દાગીનામાં ઘડતરમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કરી છે. તો કેટલાક જ્વેલર્સોએ 9 કેરેટના સોનાના દાગીના બનાવીને ગ્રાહકોને પરવડે તેવી કિંમતે વેચાણ કરી રહ્યા છે.
રાજધાનીના બુલિયન બજારમાં બુધવારે સતત ત્રીજા કારોબારી સત્રમાં સોનાના ભાવ 1,000 રૂપિયા વધીને 1,31,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પ્રતિ 10 ગ્રામ 1,30,800 રૂપિયા પર બંધ થયું હતું. સ્થાનિક બુલિયન બજારમાં, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1,000 રૂપિયા વધીને 1,31,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ 1,30,200 રૂપિયા હતો.
જ્યારે મંગળવારે ચાંદીના ભાવ તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી રૂ. 3,000 ઘટીને રૂ. 1,82,000 પ્રતિ કિલો થયા (બધા કર સહિત) બાદ ફરી ચાંદીના ભાવમાં વઘધારો થયો હતો. અને ચાંદીના ભાવ રૂ. 6,000 વધીને રૂ. 1,85,000 પ્રતિ કિલોના નવા શિખર પર પહોંચ્યા હતા. વિશ્લેષકોના મતે, સોનામાં રેકોર્ડ ઉચ્ચતમ સ્તર વૈશ્વિક ભાવમાં તીવ્ર વધારો અને સ્થાનિક ભૌતિક અને રોકાણ માંગમાં વધારાને કારણે હતું. દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન ભાવમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં, હાજર સોનાનો ભાવ ઔંસ દીઠ 4,218.32 ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે.