શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પક્ષની જાહેરાત કરી પદાધિકારીઓ નિમ્યા
- પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પાર્ટીના પ્રમુખ તરીકે ડો. રાજેન્દ્રસિંહ રાઠોડની વરણી,
- યુસુફ પરમારને મહામંત્રી બનાવાયા,
- આગામી ચૂંટણીઓમાં ઉમેદવારો ઊબા રખાશે
અમદાવાદઃ ગુજરાતના રાજકારણના ખેલાડી ગણાતા બાપુના હુલામણા નામે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પક્ષની જાહેરાત કરીને એના પદાધિકારીઓની નિમણૂકો કરી છે. શંકરસિંહ બાપુએ રાજકીય નિવૃતિ ન લઈને ફરીવાર રાજકીય મેદાનમાં લડત આપવાનો નિર્ધાર કર્યો છે. તાજેતરમાં શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં સ્નેહ મિલન યોજાયું હતું. જ્યાં શંકરસિંહે બેઠક બાદ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી છે. આ પક્ષની નોંધણી પણ કરાવી છે.
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે વડોદરાના પૂર્વ મેયર ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડની વરણી કરી છે. જ્યારે ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમારને મહામંત્રી બનાવવામાં આવ્યા છે અને પાર્થેશ પટેલને ખજાનચીની જવાબદારી સોંપી છે. શંકરસિંહ વાઘેલાના પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પક્ષ દ્વારા આગામી ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ચોથો મારચો રચાતા ચાર પક્ષો વચ્ચે આગામી ચૂંટણીમાં જંગ જામશે.
શંકરસિંહ વાઘેલા રાજકારણના અઠંગ ખેલાડી ગણાય છે. તેમને 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી. હવે ફરીવાર નવા પક્ષની રચના કરી છે.