બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારની શંકર ચૌધરીએ લીધી મુલાકાત
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયા છે, ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા. અધ્યક્ષએ જિલ્લા વહીવટી તંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજીને વરસાદથી થયેલ નુકસાન, સ્થળાંતર, રાહત કામગીરી તથા આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. અધ્યક્ષએ રાહત કાર્યો તથા નાગરિકોને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિતના અધિકારીઓ ગઈકાલ રાતથી થરાદ ખાતે રહીને રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે. કલેકટરએ ભારે વરસાદની સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ચાલી રહેલી રાહત બચાવની કામગીરી અંગે અધ્યક્ષ શંકર ચૌધરીને વિગતવાર માહિતી આપી હતી.
રાત્રિના સમયે અધ્યક્ષ શંકર ચૌધરીએ ટ્રેક્ટર પર બેસીને થરાદ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. લોકોની વચ્ચે જઈને સમગ્ર વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે લોકોને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર અને તંત્ર તેમની સાથે છે અને દરેકને જરૂરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
અધ્યક્ષએ તાત્કાલિક ભોજન સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. વરસાદમાં ફસાયેલા નાગરિકોને સમયસર ભોજન, પીવાનું પાણી અને રાહત સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે સ્થળ પર જ ઉપસ્થિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધીમાં 1.50 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા છે. પાણી ભરાવાના કારણે ઘરોમાં તથા ઊંચા સ્થળોએ ફસાયેલા નાગરિકોને આ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે. ઉપરાંત, થરાદ અને આજુબાજુના વિસ્તારમાં 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા NDRF, SDRF તથા હોમગાર્ડની ટીમોને સક્રિય કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે બોટ, ટ્રેક્ટર તથા અન્ય સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા તબીબી ટીમોને તહેનાત કરવામાં આવી છે, જ્યારે પીવાના પાણી તથા વીજળી પુનઃસ્થાપન માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાઈ છે.
અધ્યક્ષ શંકર ચૌધરીએ ચિકિત્સા સુવિધાઓ, સુરક્ષિત આશ્રયસ્થાનો, દવાઓની ઉપલબ્ધતા તથા મહિલાઓ-બાળકોને જરૂરી સુવિધા, વીજળી, બચાવ અને રાહત ઉપલબ્ધ કરાવવા અંગે તંત્ર સાથે મળીને ઝડપી તૈયારીઓ માટે સૂચન કર્યું હતું. તેમણે નાગરિકોને તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું.