હાથ મિલાવવો નિયમ નહીં પરંતુ માત્ર પરંપરા, BCCIની સ્પષ્ટતા
નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન સામે સાત વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ બનેલો દ્રશ્ય હવે ચર્ચાનો વિષય બની ગયો છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટરો સાથે હાથ નથી મિલાવ્યો, કપ્તાન સુર્યકુમાર યાદવે પણ પાકિસ્તાનના કપ્તાન સલમાન અલી આગાને અભિવાદન આપ્યું નહોતું. આ ઘટનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નારાજ વ્યક્ત કરી છે. બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)માં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માગણી કરી છે. PCB પ્રમુખ મોહસિન નકવીએ ‘X’ પર લખ્યું કે, “મેચ રેફરી દ્વારા આઈસીસી કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન થયું છે, અમે તેમની તરત જ હકાલપટ્ટી માંગીએ છીએ.”
બીજી બાજુ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “હાથ મિલાવવું માત્ર એક પરંપરા છે, કોઈ નિયમ નહીં, નિયમોની પુસ્તિકા વાંચશો તો તેમાં હાથ મિલાવવાનો કોઈ ઉલ્લેખ નથી, ખેલાડી હાથ મિલાવે કે નહીં એ તેમનો નિર્ણય છે, ખાસ કરીને જ્યારે ભારત-પાકિસ્તાન જેવા તંગ સંબંધોમાં મેચ રમાતી હોય.” કપ્તાન સુર્યકુમાર યાદવે ટીમના આ વલણને પૂરેપૂરું સમર્થન આપ્યું છે. મેચ બાદ તેમણે જીત સશસ્ત્ર દળોને સમર્પિત કરી અને પહલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પગલાંને લઈને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો કે ટીમ માત્ર ક્રિકેટ નહીં પરંતુ રાષ્ટ્રીય ભાવનાઓ સાથે પણ ઉભી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય ટીમનો આ નિર્ણય નીતિગત છે, જો આગામી રવિવારે સુપર-4માં ફરી ભારત-પાકિસ્તાનનો મુકાબલો થશે તો ખેલાડીઓ હાથ નહીં મિલાવવાની પરંપરા ફરીથી દોહરાવી શકે છે.